________________
પ્રવચન-૩૮ )
[ ૨૩૧
સ્ત્રી, પુત્ર, પુત્રી આદિ ઘણાં જીવો અને ધન, મકાન આદિ ઘણાં પુદ્ગલોથી જે સહિત છે તે હું એમ તું ન જાણ ! કેમ કે, જીવનું એવું સ્વરૂપ જ નથી. ભાઈ ! તેં તારો વિચાર જ કદી કર્યો નથી. ભગવાને કહ્યું છે કે, દ્રવ્ય એટલે વસ્તુ અથવા પદાર્થ તેને કહેવાય કે જે પોતાના ગુણ અને પર્યાયથી સહિત હોય. બીજાના દ્રવ્ય–ગુણ-પર્યાયથી સહિતપણે રહેવાનો વસ્તુનો સ્વભાવ જ નથી.
અહીં તો એક એક શબ્દમાં ભેદજ્ઞાન છે.
જઓ ! ગુણ પર્યાયથી સહિત હોય તે આત્મા' એમ કહ્યું. કર્મથી સહિત હોય તે આત્મા એમ નથી કહ્યું. આત્મા તો તેને કહેવાય કે જે પોતાના અનંતગુણ અને પર્યાયથી સહિત છે. કર્મ તો જુદુ દ્રવ્ય છે. એ પોતાના ગુણ–પર્યાયથી સહિત છે. કર્મ અને આત્મા એક ક્ષેત્રમાં રહેલા છે માટે આત્મા કર્મરૂપ થઈ જાય કે કર્મ આત્મારૂપ થઈ જાય એમ કદી ત્રણકાળમાં બનતું નથી. આત્મા કર્મરૂપ પણ થતો નથી તો એ સ્ત્રી, પુત્રાદિરૂપ કે મિલના માલિકરૂપે ક્યાંથી થાય?
દ્રવ્ય ઓળખવું હોય તો તેની વર્તમાન વર્તતી પર્યાય અને કાયમી ગુણ દ્વારા તેને ઓળખી શકાય છે કેમકે એ ગુણ–પર્યાયથી આત્મા સહિત છે. હવે ગુણ કોને કહેવો? કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં રહે છે તેને ગુણ કહે છે. ગુણોનું પરિણમન તે પર્યાય છે. ભૂત-ભવિષ્યની પર્યાય ગુણોમાં સમાય જાય છે.
સંસારીજીવ હો કે સિદ્ધ જીવ હો, પરમાણુ હો કે સ્કન્ધ હો. દરેકના દ્રવ્યનું સ્વરૂપ શું કે જે પોતાના અનંતગુણ અને અનંત પર્યાયથી સહિત છે તે દ્રવ્ય છે. આનો નિર્ણય કરવા જાય ત્યાં તો અંદર ઠરી જાય એવું સ્વરૂપ છે. આ ગુણ અને પર્યાયથી સહિત છે તે “આ દ્રવ્ય એમ દ્રવ્ય ઉપર લક્ષ જતાં સુખની દશા પ્રગટ થાય છે એ સુખદશાથી સહિત તે જીવદ્રવ્ય છે. પહેલાં દુઃખની દશાથી સહિત હતો એ જ જ્યાં દ્રવ્ય ઉપર લક્ષ જાય ત્યાં દુઃખનો નાશ થઈને સુખ પ્રગટ થઈ જાય છે. દુઃખ વખતે પણ દ્રવ્ય તો ગુણપર્યાય સહિત જ હતું પણ તે વખતે તેને આ દ્રવ્ય છે એમ ખબર ન હતી.
આ જ્ઞાનની પર્યાય અને કાયમી ગુણથી સહિત છે તે આ દ્રવ્ય છે એમ જ્યાં દ્રવ્યનું લક્ષ થાય છે ત્યાં જ્ઞાનની પૂર્વ પર્યાયનો વ્યય થઈને નવી સમ્યજ્ઞાનની પર્યાય પ્રગટ થઈ જાય છે. એ સમ્યજ્ઞાનની પર્યાય અને ગુણથી સહિત તે દ્રવ્ય છે. બીજા જીવને ઓળખવો હોય તો તેને પણ તેના ગુણ–પર્યાયથી સહિત છે તે જીવ છે એમ ઓળખવો. પૈસાવાળો તે આત્મા કે નિર્ધન તે આત્મા એવું બીજા જીવનું સ્વરૂપ નથી. એ જ રીતે પૈસાને ઓળખવા હોય તો તેના જડ ગુણ-પર્યાયથી સહિત છે તે પરમાણુ દ્રવ્ય છે એમ ઓળખવું.