________________
નિજસ્વરૂપની સેવાથી સિદ્ધિની પ્રાપ્તિ
(પ્રવચન નં. ૩)
ये जाता ध्यानाग्निना कर्मकलङ्कान् दग्ध्वा । नित्यनिरञ्जनज्ञानमयास्तान् परमात्मनः नत्वा ||9||
શ્રી પરમાત્મપ્રકાશની આ પ્રથમ ગાથા ચાલે છે.
મુનિરાજ મંગલાચરણમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે. તે સિદ્ધ કેમ થયા છે ? કે—પૂર્ણ જ્ઞાન-આનંદસ્વરૂપ નિજ શુદ્ધાત્માના ધ્યાનરૂપી અગ્નિ વેડે કર્મકલંકને ભસ્મ કરીને ભગવાન સિદ્ધ થયા છે.
સિદ્ધ ભગવાન કેવા છે ? કે–સિદ્ધ ભગવાન નિત્ય, નિરંજન અને જ્ઞાનમય છે. તેમાં નિત્ય કહેતાં બૌદ્ધમતનું ખંડન થાય છે. નિરંજન કહેતાં સિદ્ધ થયાં પછી પાછા ભગવાન અવતાર ધારણ કરે એવું માનનારાં નૈયાયિકોના મતનું ખંડન થાય છે.
ભગવાનને ‘જ્ઞાનમય' સાબિત કરતાં સાંખ્યમતનું ખંડન થાય છે. સાંખ્યમતનો એવો અભિપ્રાય છે કે જેમ સૂતેલાં માણસને કાંઈ જ્ઞાન હોતું નથી તેમ પરમાત્મા થાય એટલે તે સૂઈ ગયા. તેથી ભગવાનને કાંઈ જ્ઞાન હોતું નથી. ભગવાનને ત્રણકાળ—ત્રણલોકનું જ્ઞાન હોય તો તો તેને કેટલી ઉપાધિ હોય? એમ તેઓ માને છે. તેને કહ્યું છે કે જ્ઞાન એ તો આત્માનો સ્વભાવ છે, તેમાં ઉપાધિ ન હોય. ભગવાને આત્માનો જેવો સ્વભાવ છે તેવો પર્યાયમાં પ્રગટ કર્યો છે તેથી એક સમયમાં ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન થાય છે.
આમ, સાંખ્યમતનું ખંડન કરીને ભગવાનની શાયકતા સાબિત કરવા મુનિરાજે સિદ્ધ ભગવાનને ‘જ્ઞાનમય' એવું વિશેષણ આપ્યું છે. આવા નિત્ય, નિરંજન, જ્ઞાનમય ભગવાનને ઓળખીને વાણી દ્વારા શાસ્ત્રમાં નમસ્કાર કર્યા છે તેને દ્રવ્યનમસ્કાર' કહે છે અને અંદર વિકલ્પમાં ભગવાનના અનંત ગુણોનું સ્મરણ કરવું તેને ‘ભાવનમસ્કાર' કહેવાય છે.
આ દ્રવ્ય અને ભાવનમસ્કાર વ્યવહારથી સાધકદશામાં હોય છે. શુદ્ધનિશ્ચયનયમાં આવો વંદ્ય–વંદકભાવ એટલે કે ભગવાન વંદન ક૨વાયોગ્ય અને હું વંદન કરવાવાળો એવા ભાવ હોતા નથી. સ્વરૂપમાં એકાકારદશામાં આવાં કોઈ વિકલ્પ હોતા નથી.
આ રીતે, શબ્દાર્થનો નયવિભાગ દ્વારા નયાર્થ પણ કહ્યો છે અને બૌદ્ધ, નૈયાયિક અને સાંખ્યમતના ખંડન દ્વારા મતાર્થ પણ બતાવ્યો છે અને આ રીતે ભગવાન સંસાર પર્યાય છોડીને સિદ્ધદશાને પ્રાપ્ત થયા છે એમ કહીને આગમાર્થ બતાવ્યો છે. હવે ભાવાર્થ કહે છે