________________
- ઉત્પા–વ્યયથી રહિત ધ્રુવ–પરમાત્મા
| (સળંગ પ્રવચન નં. ૩૭) आत्मा जनितः केन नापि आत्मना जनितं न किमपि ।
द्रव्यस्वभावेन नित्यं मन्यस्व पर्यायः विनश्यति भवति ॥५६।। આ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. તેમાં હવે દ્રવ્ય, ગુણ, પર્યાયની મુખ્યતાથી ત્રણ દોહા કહેવામાં આવે છે. જીવ અને જડ આદિ પદાર્થોના સ્વરૂપનું આ કથન છે.
આ આત્મા એક સત્ પદાર્થ છે, તે કોઈ વડે ઉત્પન્ન થયો નથી. જે છે તે ક્યારે ન હોય ! ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. જે છે તે ત્રિકાળ છે માટે આત્મા છે તે કોઈથી ઉત્પન્ન થયો નથી અને આત્માથી કોઈ બીજો પદાર્થ ઉત્પન્ન થયો નથી. જે છે તે કોઈને ઉત્પન્ન કરતો નથી.
આત્મા દ્રવ્યસ્વભાવથી નિત્ય છે અને પર્યાયભાવથી વિનાશક છે. આત્મા વસ્તુ તરીકે શુદ્ધ જ્ઞાનઘન આનંદકંદ છે પણ એવા સ્વભાવના ભાનના અભાવે સંસારી જીવ પોતે ઊપજાવેલા શુભાશુભકર્મના નિમિત્તે નરનારકાદિ પર્યાયોથી ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. અઘાતિકર્મોમાં શુભ અને અશુભના ભેદ પડે છે તેના નિમિત્તે ગતિ, જાતિ આદિ મળે છે.
જીવનું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ તો ભવના કારણરૂપ વિકાર અને ભવના કાર્યરૂપ આઠકર્મ આદિથી રહિત છે; પણ એવા સ્વરૂપના અંતરજ્ઞાનના અભાવે તેને શુભ-અશુભ કર્મો બંધાય છે અને તેના ફળમાં તે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિને પામે છે અને એક ગતિ પૂરી કરીને બીજી ગતિને પામે છે. આમ, અનાદિ અનંત જ્ઞાનમૂર્તિ હોવા છતાં પોતાના ભાનના અભાવે જીવ ચારગતિમાં ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે અને કર્મો બાંધે છે. | જીવ શુદ્ધાત્મજ્ઞાનથી રહિત થયો થકી કર્મોને ઉપજાવે છે તો પણ શુદ્ધનિશ્ચયનયથી જીવ શક્તિરૂપ શુદ્ધ જ છે, તે કદી કર્મોથી ઉત્પન્ન થયેલી નરનારકાદિ પર્યાયરૂપે થતો નથી. વસ્તુ તો ધ્રુવ, અનાદિ-અનંત શુદ્ધ જ છે તે મનુષ્યપણે થયો નથી તેમ દેવ, નારકી અને તિર્યચપણે પણ થતો નથી. વસ્તુનું સ્વરૂપ તો કર્મને પણ ઊપજાવતું નથી. વસ્તુ તો વ્યવહારથી પણ જન્મ-મરણ પામતી નથી. શરીર અને રાગાદિનું ઉપજવું થાય છે એ તો પર્યાયમાં થાય છે, વસ્તુમાં ઊપજવું થતું નથી.
વસ્તુ જે ધ્રુવ એક જ્ઞાયકભાવ છે તે કાંઈ પોતાના સ્વભાવને છોડીને દેવ-મનુષ્યાદિ પર્યાયોરૂપે થતી નથી. વ્યવહારથી એટલે પર્યાયમાં સ્વરૂપના ભાનના અભાવે નર નારકાધિરૂપે થાય છે પણ ધ્રુવ કાંઈ તે વિનાશીક પર્યાયરૂપે થતો નથી.