________________
૨૧૨ )
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો
પણ એકત્વ પામ્યાં નથી માટે એક ક્ષણભર પણ તું રાગની એકત્વ-બુદ્ધિથી ખસીને વીતરાગ સ્વભાવની દૃષ્ટિ કરે તો તે રાગરહિત કાળે ભગવાન આત્મા ઉપાદેય થયો કહેવાય, કેમ કે રાગરહિત આત્માના શ્રદ્ધા જ્ઞાન કરે તે કાળે જ આત્મા તેમાં એકાકાર થાય છે માટે ત્યારે જ આત્મા ઉપાદેય થયો ગણાય છે.
રાગની રુચિ છોડી સ્વભાવ સન્મુખતા કરે ત્યારે જ તે આત્મા પરમાત્મા સમાન આદરણીય થયો કહેવાય છે. વસ્તુની દૃષ્ટિ થયા વિના વસ્તુ આદરણીય થઈ કહેવાતી જ નથી. રાગ-દ્વેષની લાગણીરૂપ વિકારના ભાવથી ચૈતન્ય ઉપાદેય થતો નથી. કારણ કે રાગ તો તેના સ્વરૂપમાં જ નથી. આત્મા તો પરમાત્મસ્વરૂપ છે માટે જ્યારે તે રાગ અને પુણ્યના વિકલ્પોનો પ્રેમ છોડી રાગરહિત દૃષ્ટિ કરે, રાગરહિત જ્ઞાન કરે તે કાળે આત્મા પરમાત્મા સામાન અંગીકાર કરવાયોગ્ય થાય છે આ સાર છે.
આ વાત બેસતી નથી એમ થાય છે, પણ બેસાડે તો બેસે કે કોઈ બીજું એની શ્રદ્ધામાં બેસાડી શકે ! જેણે ઊંધાઈ કરી છે તેણે જ એ ઊંધાઈ તોડવાની છે. જે ઊંધાઈ કરે તે છોડે તો જ છૂટે, સૌએ પોતપોતાની ઊંધાઈ છોડવાની છે.
અહો, ભગવાન આત્મા શરીરાદિ સાથે તો કદી એકત્વ થયો જ નથી પણ જ્યાં સુધી સ્વભાવનો આદર ન હતો ત્યાં સુધી શુભ-અશુભ વિકલ્પનો આદર હતો તેમાં એકતા થયેલી, કેમ કે ક્યાંક તો એ પોતાનું હોવાપણું માન્યા વગર રહે નહિ. ચૈતન્યપ્રકાશને રાગરહિત દૃષ્ટિથી જોવો જોઈએ, તે ન જોયો અને પુણ્ય–પાપ વિકલ્પમાં જ એકાકાર થઈને, એ જ આત્મા છે એમ માની લીધું. પણ હવે એ રાગરહિત આત્મા ઉપાદેય ક્યારે થાય કે પરદ્રવ્ય અને રાગના પડખેથી ખસી સ્વસમ્મુખ થાય ત્યારે રાગરહિત દૃષ્ટિ વડે આત્મા ઉપાદેય થયો કહેવાય.
આમ, રાગરહિત દૃષ્ટિ વડે એક આત્મા જ ઉપાદેય છે, બાકી પુણ્ય-પાપ, રાગ-દ્વેષાદિ વિકલ્પ આદરવાલાયક નથી એવું તાત્પર્ય કાઢવું તેનું નામ મોક્ષમાર્ગ છે.