________________
પ્રવચન-૨ /
[ ૯
ભગવાન આત્માને વસ્તુદૃષ્ટિએ જોઈએ તો તે બંધ-મોક્ષથી રહિત છે. તે શુદ્ધનિશ્ચયનયનો વિષય છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, કેવળજ્ઞાન, વિકારીભાવ એ બધી પર્યાય છે. તે બધી પર્યાયો પર્યાયનયનો વિષય છે અને ત્રિકાળ અખંડ શુદ્ધ વસ્તુ છે તે શુદ્ધનયનો વિષય છે. આમાં ત્રણ ન્યાય આપ્યાં છે. ભગવાને દરેક દ્રવ્યના ઉત્પાદ, વ્યય અને ધ્રુવ—આ ત્રણ અંશો અનાદિ-અનંત જોયા છે. પૂર્વ પર્યાયનો નાશ થાય તે વ્યય છે, વર્તમાન પર્યાયનો ઉત્પાદ થાય તે ઉત્પાદ છે અને વસ્તુ ધ્રુવ છે. આ ધ્રુવ વસ્તુમાં ઉત્પાદ—વ્યયનો અભાવ છે માટે ધ્રુવ એવા જીવતત્ત્વમાં બંધ-મોક્ષનો અભાવ છે—એમ શુદ્ઘનય જાણે છે અને પહેલાં પર્યાયમાં વિકાર હતો અને પછી નાશ કર્યો એમ અશુદ્ધનય જાણે છે તથા પર્યાયમાં મોક્ષ ન હતો તે ઉત્પન્ન થયો એ પણ પર્યાયનયનો વિષય છે.
જૈનના નામે ઘણાં લોકો ધ્યાન આદિની ખોટી ક્રિયાઓમાં જીવને ચડાવી દે છે તે જૂઠું છે એ વાત સ્પષ્ટ કરવા માટે ટીકામાં આ બધી સ્પષ્ટતા કરી છે.
આ રીતે અશુદ્ધનયથી ભાવકર્મનો નાશ કરીને અને અનુપરિત અસદ્ભૂત વ્યવહારનયથી આઠ કર્મોનો નાશ કરીને, ભગવાન બન્યા તે સિદ્ધ કેવા છે ? તો કહે છે કે ભગવાન સિદ્ધપરમેષ્ઠી નિત્ય નિરંજન જ્ઞાનમય છે. શક્તિમાં જે જ્ઞાનસ્વભાવ ભર્યો હતો તે ભગવાનને પર્યાયમાં પૂર્ણરૂપે પ્રગટ થઈ ગયો તેથી એકલો જ્ઞાનસૂર્ય ઝળહળી રહ્યો છે. અનંતા ગુણોની પૂર્ણ પ્રગટ દશાને સિદ્ધદશા કહેવાય છે.
અહીં ભગવાનને નિત્ય, નિરંજન અને જ્ઞાનમય આ ત્રણ વિશેષણો આપ્યાં છે, તે પણ વેદાંત, બૌદ્ધ આદિ મતોને સમજાવવા માટે આપ્યા છે.
એકાંતવાદી બૌદ્ધ કે જે આત્માને નિત્ય નહિ માનતાં ક્ષણિક માને છે તેને સમજાવવા માટે ‘નિત્ય' વિશેષણ આપ્યું છે. આત્મા દ્રવ્યસ્વભાવે નિત્ય છે અને પર્યાયે પણ પૂર્ણ શુદ્ધ થયા પછી કાયમ શુદ્ધ રહે છે. વસ્તુદૃષ્ટિએ ભગવાન આત્મા ટંકોત્કીર્ણ અર્થાત્ ઘડ્યા વિનાનો સુઘટ જ્ઞાયક એકસ્વભાવી પરમ દ્રવ્ય છે.
નૈયાયિકો કે જે જીવને મુક્ત થયા પછી પાછા અંજન અર્થાત્ કર્મકલંક સહિત થવાનું માને છે, તેને સમજાવવા માટે અહીં સિદ્ધને ‘નિરંજન' વિશેષણ આપ્યું છે. સિદ્ધ પરમાત્માને દ્રવ્યકર્મ, ભાવકર્મ કે નોકર્મનો સંયોગ હોતો જ નથી. એકવાર સિદ્ધ થયા પછી સંસારમાં અવતાર હોતો નથી. રાક્ષસોને મારવા અને ભક્તોને બચાવવા ભગવાન અવતાર ધારણ કરે છે' એ વાત જૂઠી છે. ત્રણકાળમાં એમ કદી બની ન શકે એ બતાવવા આ સ્પષ્ટીકરણ કર્યું છે.
જૈન નામ ધરાવનારને પણ ઘણાંને આવા પ્રશ્નો ઊઠે છે કે બધાં જીવો મુક્ત થઈ જાય પછી શું થાય? પણ ભાઈ! જીવો તો એટલા છે કે દર છ મહિના અને આઠ