________________
( રાગરહિત શ્રદ્ધા–જ્ઞાનમાં જ આત્મા ઉપાદેય થાય
| (સળંગ પ્રવચન નં. ૩પ) कारणविरहितः शुद्धजीवः वर्धते क्षरति न येन।
चरमशरीरप्रमाणं जीवं जिनवराः ब्रुवन्ति तेन ॥५४॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની પ૩મી ગાથા પૂરી થઈ, હવે ૫૪મી ગાથા શરૂ થાય છે. શિષ્યના ચાર પ્રશ્નો હતા તેમાંથી બેના જવાબ આવી ગયા છે.
શિષ્યનો પહેલો પ્રશ્ન એ હતો કે, આત્મા સર્વવ્યાપક છે? તેનો જવાબ ગુરુએ આપ્યો કે, હા, કોઈ અપેક્ષાએ આત્માને સર્વવ્યાપક કહેવાય છે. તે કઈ અપેક્ષાએ?—કે, પોતાની સત્તામાં રહીને જ્ઞાન લોકાલોકને જાણે છે તો એ જ્ઞાન જાણે લોકાલોકમાં વ્યાપી ગયું છે એમ વ્યવહારથી કહેવાય છે, પણ ખરેખર જ્ઞાન પોતાના પ્રદેશો એટલે પોતાના સ્થાનને છોડીને લોકાલોકમાં જતું નથી.
શિષ્યનો બીજો પ્રશ્ન એ હતો કે, આત્મા જડ છે? તો ગુરુ કહે છે હા. જ્યારે જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા પોતે પોતાની નિર્વિકલ્પ શાન્તિ–સમાધિમાં લીન હોય ત્યારે તેને ઇન્દ્રિયજ્ઞાન હોતું નથી તે અપેક્ષાએ ઇન્દ્રિયજ્ઞાનના અભાવને કારણે તેને જડ કહેવાય છે પણ સ્વભાવના જ્ઞાનથી રહિત જડ છે એમ નથી.
હવે શિષ્યનો ત્રીજો પ્રશ્ન છે કે, આત્મા શરીર પ્રમાણ છે કે કેમ? તેના ઉત્તરમાં કહે છે કે, જેનું જ્ઞાન પૂર્ણરૂપે પ્રગટ થઈ ગયું છે એવા સર્વજ્ઞ જિનેન્દ્રદેવ એમ કહે છે કે, સિદ્ધભગવાન હાનિ-વૃદ્ધિના કારણરૂપ શરીર નામના નામકર્મથી રહિત થઈ ગયા છે તેથી તેમના પ્રદેશોનો સંકોચ-વિકાસ થતો નથી. તેમાં હાનિ–વૃદ્ધિ થતી નથી એટલે શુદ્ધજીવનો આકાર ચરમશરીર પ્રમાણ હોય છે.
આત્મા અરૂપી છે પણ એક પદાર્થ છે ને ! તેની હયાતિમાં આ બધું દેખાય છે. જ્ઞાનમાં આ બધું છે એમ જણાય છે. એમ નથી કે તે બધાના હોવાપણાથી જ્ઞાનની હયાતિ છે. માટે આત્મા તો પોતાના જ્ઞાનસ્વભાવમાં રહીને પોતાની પ્રસિદ્ધ કરે છે. આમ, જેને શરીર વિના જ પોતાના જ્ઞાનથી પ્રસિદ્ધિ થઈ ગઈ તેને પરમાત્મા કહે છે તેને હવે શરીરનામકર્મનો સંબંધ નથી તેથી તેનો આકાર હાનિ કે વૃદ્ધિને પામતો નથી, અર્થાત્ સંકોચ-વિસ્તારને પામતો નથી, છેલ્લા શરીર પ્રમાણે રહે છે.
સર્વશદેવે વસ્તુનો સ્વભાવ આ રીતે જોયો છે તેનાથી અન્યમતિ કાંઈ બીજી રીતે કહે છે તેથી વસ્તુનો સ્વભાવ આ રીતે છે એમ અહીં સિદ્ધ કરે છે.