________________
પ્રવચન-૩૪ ]
/ ૨૦૫
તો જેમ ઊંધમાં તેને બીજા જ્ઞાનની ખબર ન રહી ને ! તેમ ભગવાન જ્ઞાન સ્વભાવનું જ્ઞાન અંતરમાં ઢળતાં બહારનું કાંઈ એને ગમ્ય થતું નથી. જ્ઞાન જ્ઞાનમાં ઠરતાં ઇન્દ્રિયના વિષયો એને ગમ્ય થતાં નથી. આ અપેક્ષાએ જ્ઞાનને જડ કહેવામાં આવે છે પણ પોતાના જ્ઞાનનો તેમાં અભાવ છે એમ નથી.
ભાવાર્થ :–મહામુનિઓને વિતરાગ નિર્વિકલ્પ સમાધિના સમયમાં સ્વસંવેદનજ્ઞાન હોવાથી ઇન્દ્રિયજ્ઞાન હોતું નથી. મુનિરાજ શીતળશીતળ આનંદમૂર્તિમાં જામી ગયા હોય ત્યારે તે જ્ઞાન આનંદના પ્રત્યક્ષ વેદનકાળમાં પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન હોતું નથી. પછી વિકલ્પમાં આવે ત્યારે ઈન્દ્રિયજ્ઞાન થાય છે, વાઘ આદિ ખાતાં હોય તે તરત જણાય છે પણ સ્વસંવેદન કાળે તો એ જ્ઞાનથી જડ થઈ ગયા હોય છે અને જે પાંચ ઇન્દ્રિયના જ્ઞાનમાં લીન છે એવા અજ્ઞાનીને અતીન્દ્રિય આત્માનું જરાય ભાન થતું નથી. શરીર, ઇન્દ્રિય આ સ્પર્શ, રસ ને ગંધ આદિ અને મન તરફના જ્ઞાનવાળાને આત્મા ગમ્ય નથી અને આત્માના જ્ઞાનમાં લીન છે તેને પર પદાર્થો ગમ્ય નથી.
આ સ્વસંવેદનજ્ઞાનના કાળની વાત છે હો ! તે સિવાયના કાળમાં તો મુનિને પણ ઇન્દ્રિયનું જ્ઞાન થાય છે. ટોડરમલ્લજીએ કીધું છે કે, જ્ઞાની–મુનિને પણ અન્ય પદાર્થોનું જ્ઞાન તો થાય છે તે જ્ઞાન થાય તેમાં દોષ નથી પણ અતીન્દ્રિય જ્ઞાનના કાળે ઇન્દ્રિયોનું જ્ઞાન થતું નથી એમ કહેવું છે.
કેવળીઓને તો કોઈ પણ સમયે ઇન્દ્રિયજ્ઞાન હોતું જ નથી એકલું અતીન્દ્રિય જ્ઞાન જ છે. માટે ઇન્દ્રિયજ્ઞાનના અભાવની અપેક્ષાએ જડ પણ કહી શકાય છે.
અહીં ઇન્દ્રિયજ્ઞાન સર્વપ્રકારે હેય છે અને અતીન્દ્રિયજ્ઞાન ઉપાદેય છે આ સારાંશ છે.
જુઓ તો ખરા ! નિમિત્ત તો હેય છે, રાગ તો હેય છે પણ ઇન્દ્રિયજ્ઞાન પણ સર્વપ્રકારે હેય છે એમ કહ્યું છે. આહાહા...! પણ એણે કોઈદી આ ચીજ શું છે ! તેનું સામર્થ્ય શું છે ! એ ભરોસામાં લીધું નથી અને વાતો ધર્મની કરે છે કે શાસ્ત્રમાં આમ કહ્યું છે. અરે, શાસ્ત્રમાં તો બધું કહ્યું છે. શાસ્ત્ર તો સત્ય વાત કરે છે. શાસ્ત્ર અસત્ય વાત કહેતાં નથી. શાસ્ત્ર અસત્યનું જ્ઞાન કરાવે છે પણ અસત્યને સત્યપણે સ્થાપતાં નથી.
ભગવાન આત્માનું જ્ઞાન અતીન્દ્રિયજ્ઞાન તે ઉપાદેય છે, પાંચ ઈન્દ્રિય અને મનનું જ્ઞાન હેય છે, છોડવાયોગ્ય છે તો રાગ અને બાહ્યપદાર્થ તો છોડવાયોગ્ય જ હોય ને ! એ તો ક્યાંય દૂર રહી ગયા. અજીવ આદિ પરપદાર્થ તો આદરણીય નથી, છોડવાલાયક છે, રાગાદિ શુભાશુભ વિકલ્પ પણ છોડવાલાયક છે અને તે સંબંધીનું ઇન્દ્રિયજ્ઞાન પણ છોડવાલાયક છે. આહાહા.એક અતીન્દ્રિયજ્ઞાનમય ભગવાન આત્મા જ ઉપાદેય છે, દૃષ્ટિમાં લેવા લાયક છે. એ જ શાંતિનું કારણ છે. બીજું કોઈ શાંતિનું કારણ નથી. *