________________
૨૦૪ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
ભગવાન ! જે કાંઈ સંયોગો આવે છે તેનું તેને અડ્યા વગર જ્ઞાન કરવું એવો તારો સ્વ-પપ્રકાશક સ્વભાવ છે. તારામાં તો તારો એ સ્વભાવ છે તેને બદલે જે સંયોગો આવે તે મને આવ્યા, મારા લાવવાથી આવ્યાં, તેની હયાતીમાં હું છું અને મારી હયાતીમાં તે છે એમ માને છો એ ભ્રમણાનું મોટું મિથ્યાત્વનું પાપ તને લાગે છે. એ ભ્રમણા કેમ મટે ? કે જેણે જે ભ્રમણા કરી છે તે તોડે તો તૂટે.
હવે ૫૩મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે, એક અપેક્ષાથી આત્માને ‘જડ' પણ કહેવાય છે. તે કેવી રીતે એ આ ગાથામાં કહ્યું છે.
જે જ્ઞાન પર અને વિકારનું લક્ષ કરતું હતું તે એકાંત પપ્રકાશક મિથ્યાજ્ઞાન હતું. ઇન્દ્રિયોના નિમિત્તે થતું એકલું પરસન્મુખ જ્ઞાન હતું. એ જ્ઞાન ઇન્દ્રિયો અને પરનું લક્ષ છોડી જ્ઞાનસ્વરૂપ આત્મામાં ઠરે તો તેવા જીવોને ઇન્દ્રિયજ્ઞાન નાશ થઈ જાય છે.
જાણવાના અસ્તિત્વવાળું આ જ્ઞાન, ઇન્દ્રિય, રાગ અને પરને જ જાણતું હતું ત્યાં સુધી એ એકાંત પરપ્રકાશક મિથ્યાજ્ઞાન હતું કેમ કે તેમાં જેનું જ્ઞાન છે એ પોતે તો જ્ઞાનમાં આવ્યો ન હતો. એ જ વર્તમાન જ્ઞાનની દશા, દશાવાનમાં અર્થાત્ જ્ઞાનવાનમાં ઠરે તો એ વખતે ઇન્દ્રિયજ્ઞાન રહેતું નથી—એ વખતે આત્મા ઇન્દ્રિયના જ્ઞાનથી આંધળો થઈ જાય છે એ અપેક્ષાએ નિર્વિકલ્પ શાંતિ અને જ્ઞાનના કાળે, જ્ઞાની ઇન્દ્રિયજ્ઞાનથી રહિત એવા ‘જડ' કહેવામાં આવે છે. પણ જ્ઞાનનો અભાવ થઈ જાય છે એમ નથી.
બીજી રીતે કહીએ તો જીવ જ્યારે પરને જાણવામાં સાવધાની રાખે છે ત્યારે એ ઇન્દ્રિય, રાગ અને પર સંબંધીનું જ્ઞાન છે, એ જ્ઞાન જ્યારે સ્વને જાણવાની સાવધાનીમાં હોય છે ત્યારે બહારમાં નગારા વાગતાં હોય તોપણ એને ખબર ન હોય એટલી પરના જ્ઞાનમાં અસાવધાની વર્તે છે એ અપેક્ષાએ એ વખતે ઇન્દ્રિયજ્ઞાનથી રહિત તે જ્ઞાનને જડ કહેવાય છે.
કેવળીને તો સ્વ-પરનું પૂરું જ્ઞાન થઈ ગયું છે પણ સાધકદશામાં તો જ્ઞાન પૂરું નથી એટલે જે જ્ઞાન પરપદાર્થને જાણતું હતું એ જ આમ, પોતા તરફ વળતાં પોતામાં એવું એકાકાર થઈ જાય છે કે બહારમાં નગારા વાગે, શરીર ઉપર કોઈ પાણી છાંટે કે ચારેકોર ધૂપ લગાવ્યો હોય તેની તેને ખબર ન હોય. અરે ! ધ્યાનના કાળે શરીર આખું પાણીમાં તણાય જાય તોપણ એને ખબર ન હોય. જેમ પરમાં તલ્લીન થયો છે તેને સ્વની કાંઈ ખબર રહેતી નથી તેમ સ્વમાં તલ્લીન થાય છે તેને પરની કાંઈ ખબર રહેતી નથી. માટે કહ્યું કે હે યોગી ! આ કારણથી તું જ્ઞાનને જડ પણ જાણ.
ઘણાં વર્ષો પહેલાં ઉપાશ્રયમાં એક ભાઈ સૂતાં હતાં અને બાજુનું જ ઘર સળગ્યું, મોટા મોટા લાકડાં બળી ગયાં, પોલીસો આવ્યાં, હો...હો... થયું પણ તેને કાંઈ ખબર નહિ.