________________
પ્રવચન-૩૪ )
૨૦૩ એ જ રીતે, રાગ અને પુણ્ય–પાપની વૃત્તિઓ ઊઠે છે તેને જાણતાં જ્ઞાન જો તન્મય થઈ જાય તો રાગ તો દુઃખરૂપ, અચેતન-જડ સંકલ્પ છે, ચૈતન્યના તેજના નૂર વગરનો છે તો રાગની જેમ જ્ઞાન પણ અચેતન થઈ જાય. પણ એમ કદી બનતું નથી.
આ તો ન્યાલ થવાની વાત છે હો ! આને માટે કોઈ પંડિતાઈની જરૂર નથી. વસ્તુ જેમ છે તેમ તેને જાણવાની છે. જે વસ્તુ હોય તેનો કાંઈ સ્વભાવ તો હોય ને ! તેનામાં શક્તિ તો હોય ને ! આત્મા એક વસ્તુ છે તો તેનો સ્વભાવ શું છે?—કે, જાણવું એ એનો મુખ્ય સ્વભાવ છે પછી આનંદ આદિ સ્વભાવો તો ઘણાં છે. પણ મુખ્યપણે આત્મા જાણવા–દેખવાના અસ્તિત્વવાળું તત્ત્વ છે પણ રાગના અસ્તિત્વવાળું તત્ત્વ નથી. લોકાલોકનું અસ્તિત્વ આત્માથી ભિન્ન છે અને સ્વ-પપ્રકાશનું અસ્તિત્વ આત્મામાં અભિન્ન છે.
ભગવાનનો આત્મા આવો પૂર્ણ જ્ઞાનાનંદમય અસ્તિત્વવાળો છે તેમ મારો આત્મા પણ એવા જ અસ્તિત્વવાળો છે. ભગવાનની અને મારી જાતમાં કાંઈ ફેર નથી. આમ
જ્યાં એ પૂર્ણ પ્રગટરૂપ ભગવાનની અસ્તિનો નિર્ણય કરવા જાય છે કે આ પૂર્ણ સ્વ-પપ્રકાશક જ્ઞાન અને અતીન્દ્રિય આનંદવાળા ભગવાનની સત્તા જગતમાં છે તો હું પણ એવી સ્વ-પપ્રકાશક શક્તિવાળો અને અતીન્દ્રિય આનંદ સહિત હોવાપણાના સામર્થ્યવાળો છું એવી અંદર પ્રતીત થતાં તેની વર્તમાન દશામાં સ્વ-પરને જાણનારું જ્ઞાન પ્રગટ થાય છે અને સાથે તન્મયપણે અતીન્દ્રિય આનંદનું વેદના થાય છે. આવું અતીન્દ્રિય આનંદનું વેદન જેને થાય છે તેણે આત્માને જાણ્યો અને માન્યો કહેવાય.
આમ, કેવળી ભગવાનનું પૂર્ણ જ્ઞાન અને અતીન્દ્રિય-આનંદ આ આત્માને ઉપાદેય છે. તેનો અર્થ એ કે, એવું જ્ઞાન અને આનંદ જેમાંથી પ્રગટ થાય એવો મારો આત્મા જ મને ઉપાદેય છે. આવી અંતરદૃષ્ટિ અંતપ્રતીત થતાં તેના જ્ઞાનમાં રાગાદિ પરનું જાણવું ભલે હો પણ જ્ઞાન રાગાદિમય થતું નથી, જ્ઞાન તો પોતાના આનંદથી અભેદપણે રહે છે.
જો જ્ઞાન દુઃખના વિકલ્પ સાથે તન્મય હોય તો જ્ઞાન જ અચેતન રાગાદિરૂપ થતાં મહાદુઃખ ઊભું થાય અને જો પરને પરરૂપ રાખી, પરસંબંધીના પોતાના જ્ઞાનને પોતારૂપ રાખી પોતાની હયાતીનો સ્વીકાર થાય તો અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે અને એ આનંદ જ્ઞાન સાથે અભેદ છે અને દુઃખનો કે દ્વેષનો વિકલ્પ ઊઠે તેની સાથે જ્ઞાન એક છે નહિ અને એક થતું નથી છતાં જે જ્ઞાનને વિકલ્પ સાથે તન્મય માને છે તે તેની ભ્રમણા છે.
પૈસાવાળા બધાં મૂઢ છે, કેમ?—કેમ કે, પાંચ કરોડ કે દસ કરોડ જે હોય તેનું જ્ઞાન પોતાને થાય છે, કાંઈ પૈસા તો પોતાના થતાં નથી. ખરેખર તો એ પૈસા સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં આવ્યું છે તેને બદલે એ એમ માને કે, મારે પૈસા આવ્યા એટલે તેણે પૈસાને અને જ્ઞાનને એક માન્યા એ તેની મૂઢતા છે.