________________
૨૦૨ /
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો કેટલા કાળથી છે એ પહેલાં નક્કી કરવું જોઈએ. જાણવું એ એક ભાવ છે એટલે એક અસ્તિ છે તો અતિ કેટલા ક્ષેત્રમાં છે?—કે, શરીર પ્રમાણ આત્મા છે તે જ જ્ઞાનનું ક્ષેત્ર છે અને તે જ્ઞાન કેટલા કાળનું છે?—કે, અનાદિનું છે. તો હવે જ્ઞાનનું સામર્થ્ય કેટલું છે એ નક્કી કરો. તો કહે છે, સ્વ–પરને જાણવું એ તેના દ્રવ્ય, ગુણ, પર્યાય—ત્રણેયમાં સામર્થ્ય છે. તો “જાણવું” એ મારું સામર્થ્ય છે એમ નક્કી કરતાં આસવ અને અજીવ તેનાથી ભિન્ન રહી જાય છે કેમ કે તેનામાં જાણવાનું સામર્થ્ય નથી. અને જો એ શરીરાદિ અજીવ અને રાગાદિ આસવમાં પોતાપણું સ્થાપવા જાય તો જ્ઞાનમાં પોતાપણું રહેતું નથી કેમ કે જ્ઞાન તે બંનેથી જુદું તત્ત્વ છે.
લોકોને એમ થાય કે આવો તે કાંઈ ધર્મ હોય ! કાંઈક દયા પાળવાનું કહો, તો તો બરાબર છે. અરે બાપુ! આ જ તારી દયા છે. તે તારા ઉપર કોઈદી દયા કરી નથી એની તને ખબર નથી.
ટીકા બહુ સરસ છે.....આમાં પુનરુક્તિ દોષ ન લાગે હો ! ઊલટી વધારે દઢતા થાય. જ્ઞાનકુંજ ભગવાન આત્મા સ્વતઃસિદ્ધ પોતાના સ્વભાવથી લોકાલોકને જાણે છે તેમાં પરનું જાણવું અને પોતાનું જાણવું અભિન્ન રહે છે પણ પરદ્રવ્ય ભિન્ન રહે છે તે અભિન્ન થતાં નથી કેમ કે એ સ્વભાવથી જ ભિન્ન છે.
સ્વ-પપ્રકાશના સામર્થ્યવાળા ભગવાન આત્માની વર્તમાન દશામાં ““આ આત્મા....આ મારો આત્મા...” એમ જ્યાં દૃષ્ટિમાં બેઠું તો તેનું જ્ઞાન સ્વ-પર પ્રકાશનું સામર્થ્ય રાખતું પુણ્ય–પાપના ભાવને અને શરીરાદિની ક્રિયાને જાણે છે પણ તેમાં તન્મય થતું નથી. આસવ અને અજીવ સંબંધીનું જ્ઞાન તો પોતામાં તન્મય છે પણ જો આસ્રવ અને અજીવ તન્મય થઈ જાય તો તો જ્ઞાન પોતે જ પરતત્ત્વ થઈ જાય. એ મોટો દોષ આવે છે.
આ પરમાત્મપ્રકાશ ચાલે છે ને ! ભાઈ ! તું દ્રવ્ય પરમાત્મસ્વરૂપ જ છો. સ્વ-પપ્રકાશક તારું સ્વરૂપ છે. જેમ ભગવાનનું પૂર્ણ જ્ઞાન તેના અતીન્દ્રિય આનંદ સાથે તન્મય છે તેમ ભગવાન આત્માની પ્રતીત અને જ્ઞાન થતાં જે અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે તેની સાથે જ્ઞાન તન્મય છે. સ્વ-પપ્રકાશના જ્ઞાન કાળે જ અતીન્દ્રિય આનંદનો પર્યાય તેનાથી તન્મય છે અને દુઃખની કલ્પનારૂપ રાગ અને શરીર સંબંધીનું જ્ઞાન છે પણ તે રાગ અને શરીર જ્ઞાન સાથે તન્મય નથી છતાં તન્મય માનવું એ જ ભ્રમણા અને મિથ્યાત્વ છે. રાગ અને શરીર જ્ઞાનમાં તન્મય તો થતાં જ નથી પણ મૂરખ ભ્રમણા કરીને માને છે. તેની ભ્રમણાને ઉથલ-પાથલ કરી નાંખે એવી આ વાત છે.
દાખલો આપ્યો ને આંખમાં અગ્નિ દેખાય છે પણ અગ્નિ આંખની સાથે તન્મય નથી. તન્મય હોય તો તો આંખ બળી જાય. તેમ શરીરને જાણતાં જ્ઞાન તેમાં તન્મય થાય તો તો જ્ઞાન જડ થઈ જાય. પણ જ્ઞાન કદી જડ ન થાય અને જડ કદી ચૈતન્ય ન થાય.