________________
આ અતીન્દ્રિયજ્ઞાન ઉપાદેય : ઇન્દ્રિયજ્ઞાન હેયર
(સળંગ પ્રવચન નં. ૩૪) आत्मा कर्मविवर्जितः केवलज्ञानेन येन । लोकालोकमपि मनुते जीव सर्वगः उच्यते तेन ॥५२॥ येन निजबोधप्रतिष्ठितानां जीवानां त्रुट्यति ज्ञानम् ।
इन्द्रियजनितं योगिन् तेन जीवं जडमपि विजानीहि ॥५३॥ શ્રી પરમાત્મપ્રકાશની આ પરમી ગાથા ચાલે છે.
આ આત્મા સ્વ અને પારને જાણવાવાળું તત્ત્વ છે. પરદ્રવ્યને પોતાના માને એવો તેનો સ્વભાવ નથી પણ પરને જાણવું એવો તેનામાં સ્વભાવ છે એટલે કે આ જ્ઞાનમૂર્તિ આત્માનો પુણ્ય–પાપ આદિ વિકાર અને શરીર, કર્મા દિને જાણવાનો સ્વભાવ છે પણ તે જાણવાના સ્વભાવ ઉપરાંત પુણ્ય પાપ, શરીર, કમદિને પોતાને માનવાનો તેનો સ્વભાવ નથી.
ભગવાન ચિદાનંદ આત્મા સ્વ–પરને જાણવાવાળો છે પણ તે સ્વભાવના અભાનમાં એણે વર્તમાન દશામાં પરને પોતાના માનવાની ભ્રમણા ઊભી કરી છે. શરીર, કર્મ તથા વિકાર આદિ મારા છે, તેનાથી મને સુખ છે એવી માન્યતા તેણે ભ્રમથી ઊભી કરી છે, ખરેખર તેનું સ્વરૂપ એવું નથી.
આત્મા તો જાણવાના સ્વભાવવાળા તત્ત્વનું સત્ત્વ છે. તેના દ્રવ્ય–ગુણમાં વિકાર ન હોવા છતાં વર્તમાન દશામાં જે વિકાર જ્ઞાનમાં જણાય છે તે મારા છે એવી ભ્રમણા તેણે ઊભી કરી છે. તે ભ્રમણા દૂર કરવા શ્રીગુરુ તેને ભગવાનના દૃષ્ટાંતથી સમજાવે છે કે, જેવું તારામાં શક્તિરૂપે સામર્થ્ય પડ્યું છે એવું જ જેને વર્તમાન દશામાં પ્રગટ થયું છે એવા કેવળી ભગવાન સર્વ પરપદાર્થને એટલે કે લોકાલોકને પોતાના જ્ઞાનમાં પૂર્ણપણે અને પ્રત્યક્ષ જાણે છે પણ પરમાં એકમેક થઈ જતાં નથી.
કેવળી ભગવાન જેમ પોતાને જાણે છે તેમ જ પરને જાણે છે, જાણવામાં કાંઈ ફેર નથી. ફક્ત પરને જાણતાં તેમાં તન્મય થતાં નથી. તેથી પરને વ્યવહારથી જાણે છે એમ કહેવામાં આવે છે અને પોતામાં તન્મય છે માટે પોતાનું જાણવું તો નિશ્ચયથી છે.
વર્તમાનમાં અલ્પજ્ઞદશા વખતે પણ આત્મા જ્ઞાનપ્રકાશની મૂર્તિ છે, આનંદનું રૂપ છે, અત્યારે પણ તે પરદ્રવ્ય સાથે તન્મય નથી, પરમાં તન્મય થયા વગર પરને જાણે એવો તેનો સ્વભાવ છે. પરંતુ પરમાં પુણ્ય–પાપમાં દયા–દાનાદિમાં સુખ માને છે, તેમાં ધર્મ માને છે એ તેનો મિથ્યાભ્રમ છે.