________________
પ્રવચન-૩૩ ]
[ ૧૯૭ હશે? અરે બાપુ ! ભગવાનના જ્ઞાનમાં શું ન જણાય ! આ પર્યાય આ કાળે આમ જ થશે, અનિયત તો કાંઈ છે જ નહિ, આ સમયે આ જ અંશ પ્રગટ થશે એમ ભગવાનના જ્ઞાનમાં આવી ગયું છે. જ્ઞાન તો દરેક અંશને જુદાં જુદાં જાણે છે. કોઈ અંશને ન જાણે એવો જ્ઞાનનો સ્વભાવ નથી.
પ્રભુ! તારો પરિપૂર્ણ જ્ઞાનથી ભરેલો એકરૂપ અખંડ વસ્તુસ્વભાવ છે તે સંપૂર્ણ જાણે અને સંપૂર્ણ દેખે એવો જ સ્વભાવ છે. આત્મા કદી રાગરૂપ થાય નહિ અને અલ્પષ્ણપણે રહે નહિ એવો એનો સ્વભાવ છે. પરને ન જાણે એવો સ્વભાવ નથી અને પરને જાણતાં તન્મય થાય નહિ એવો સ્વભાવ છે.
આ ભેદજ્ઞાન કરાવે છે હો ! વસ્તુનું સ્વરૂપ જ આ રીતે છે. જ્ઞાનનું જાણવું તો પરનું હો કે પોતાનું હો બંને સમાન જ છે. જાણવામાં કાંઈ ફેર નથી. જેમ પોતાને સંદેહ રહિત જાણે છે તેમ જ પરનાં દ્રવ્ય, ગુણ, પર્યાયને સંદેહ રહિત જેમ છે તેમ જાણે છે. એમ નિઃસંદેહ જાણો.
એક સમયની જ્ઞાનની પર્યાય પૂર્ણ છે અને સામે નિમિત્ત તરીકે લોકાલોક પણ પૂર્ણ છે. ભૂત-ભવિષ્યની વાત નથી. વર્તમાનમાં જ નિમિત્ત અને તે સંબંધીનું જ્ઞાન બંને પૂર્ણ છે. લોકાલોક જ્ઞાનમાં નિમિત્ત છે. જ્ઞાન તેને જાણે છે પણ જ્ઞાન તેને અડતું નથી, જ્ઞાન નિમિત્તમાં જતું નથી અને નિમિત્ત જ્ઞાનમાં આવતું નથી. સ્વનું હોવાપણું પરમાં ન જાય અને પરનું હોવાપણું સ્વમાં ન આવે એવું વસ્તુનું સ્વરૂપ છે.
જગતમાં અનેક પદાર્થ છે તે કદી એક થતાં નથી. અનેકને જ્ઞાન અનેકપણે જાણે છે પણ જ્ઞાન અનેકપણે થતું નથી. પોતાને જાણતાં જ્ઞાન પોતામાં તન્મય છે પણ પરને જાણતાં જ્ઞાન પરમાં તન્મય નથી. પોતામાં જ તન્મય છે. પણ પરસંબંધીનું જ્ઞાન તો જેવું સ્વનું સ્પષ્ટ જ્ઞાન થાય છે તેવું પરનું જ્ઞાન થાય છે. પરમાં જ્ઞાન તન્મય થતું નથી માટે પરના જ્ઞાનનો જ અભાવ છે એમ નથી. આવો ભગવાન જ્ઞાનનો સ્વ–પર પ્રકાશક સામર્થ્ય સ્વભાવ છે. આમ બરાબર જાણે અને નક્કી કરે તો આત્માની સન્મુખ થઈને સમ્યગ્દર્શનની પ્રતીત થાય.