________________
૧૮૮ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ તો બહુ મોટી વાત થઈ ગઈ. તેનો રસ્તો પહેલાં તો કાંઈ બીજો હશે કે નહિ? ના ભાઈ, પહેલાં પણ આ અને પછી પણ આ એક જ માર્ગ છે.
જેની તિજોરીમાં કરોડો રૂપિયા પડ્યા છે તેના ઘરની દિવાલ ઉપર ભલે કોઈ લખી જાય છે કે શેઠે દિવાળું કાઢ્યું. પણ શેઠના પેટનું પાણી હલતું નથી. તેમ ચૈતન્યમૂર્તિ આત્માને તું ગમે તેવો માન પણ તે તો જેવો છે તેવો જ છે તેમાં કાંઈ ફેર પડતો નથી. અરૂપી પણ એ વસ્તુ છે ને ! એ વસ્તુ પોતાના અનંત ચૈતન્યસ્વભાવનું દળ છે. એકવાર તું આ ભગવાને આત્માને આરાધવાલાયક જાણ. એ જ દૃષ્ટિ કરીને સેવવાલાયક વસ્તુ છે, બાકી બધું છોડવા લાયક છે. આવું નક્કી કરીને, અનુભવ કર્યા વિના પ્રગટ પરમાત્મા થવાનો બીજો કોઈ ઉપાય નથી.
શક્તિએ પરમાત્મા છે તે આ રીતે પોતાની શક્તિની આરાધના–સેવા કરતાં પ્રગટ પરમાત્મા થાય છે. તેને સિદ્ધ–ભગવાન કહેવામાં આવે છે. તે દશાનું નામ જ મોક્ષદશા છે. તે પૂર્ણ પરમાત્માને પછી અવતાર ન હોય, સંસાર ન હોય, બંધન ન હોય, દુઃખ ન હોય પૂર્ણ અતીન્દ્રિય આનંદનું વેદનું હોય છે.
તું પૂર્ણાનંદના નાથનું આલંબન લે. બીજું કોઈ આલંબન લેવા યોગ્ય નથી. પરસનુખની શ્રદ્ધા, પરસનુખનું જ્ઞાન અને પરસનુખની સ્થિરતા છોડી સ્વસમ્મુખની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા કરતાં સ્વરૂપની અંતરદશા પ્રગટે તે અંતરાત્મદશા વડે બહિરાત્મપણાને છોડ અને પરમાત્માનું ધ્યાન કરી વ્યક્તરૂપ પૂર્ણ પરમાત્મા થા ! આ સિદ્ધપદ છે.
શ્રીમદ્જીએ એકવાર પોકાર કર્યો હતો “સર્વજ્ઞપદનું ધ્યાન કરો. ધ્યાન કરો જુઓ! શ્રીમદ્ ગૃહસ્થાશ્રમમાં હતાં, લાખોના વેપાર કરતાં હતાં પણ કહે છે અને જ્યાં છીએ ત્યાં રાગ અને વેપાર નથી અને રાગ ને વેપાર છે ત્યાં અમે નથી. સર્વજ્ઞપદનું ધ્યાન કરો એટલે નિજપદનું ધ્યાન કરો. આ સત્ છે તે સહજ છે, શરણ છે, સર્વત્ર છે માટે બધે ઠેકાણે પ્રાપ્ત થાય તેમ છે. -------
સ્વભાવ તરફની દૃષ્ટિથી શાંતિ મળશે, આનંદ મળશે અને આનંદની પૂર્ણતા પણ એ સાધન દ્વારા જ થશે. બીજા કોઈ સાધન દ્વારા આનંદ મળશે નહિ. પરરૂપે તું થયો નથી. માટે તારે ચિંતા શી છે? અને પર તારારૂપે થયા નથી માટે તારે કાંઈ છોડવાનું પણે રહેતું નથી. શ્રીમદ્જીએ એક પત્રમાં લખ્યું છે કે ““દિગંબર આચાર્યોએ માન્યું છે કે, જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે.” મોક્ષ એટલે અંદર છૂટું તત્ત્વ છે તે જ્ઞાનમાં આવે છે, તે દૃષ્ટિ–મોક્ષ છે; તે જ દ્રવ્યની દૃષ્ટિ અને ધ્યાન કરીને આરાધન કરવું તેનું જ નામ માંગલિક છે.
બહિરાત્મપણું તજી, અંતરાત્મા થઈ, પરમાત્મપણાના આરાધક, આત્મજ્ઞ સંત શ્રી સદ્દગુરુદેવનો જય હો.