________________
૧૮૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો એકવાર લક્ષમાં લે ! તે આત્મા કદી કર્મ અને અલ્પજ્ઞપણે થયો નથી. તેનું લક્ષ નહિ કર તો એમાં ને એમાં જીવન ચાલ્યું જશે.
અરે, પણ એને એની મોટપની ખબર તો નથી પણ તેની મોટપની વાત કોઈ સંભળાવે તોપણ બેસતી નથી. એને તો જાણે બાધામંડળ જેવું લાગે છે. અરે, મારે તો એક પણ ચીજ વિના ચાલતું નથી, જરાય અગવડતા પોસાતી નથી અને હું અત્યારે આવડો મોટો કેવી રીતે ! બેસતાં વર્ષને દિવસે છોકરાને બે હજારનો દાગીનો પહેરાવ્યો અને કોઈ દાગીનો ઉપાડી જાય તો હાય....હાય....થઈ જાય. લાપસી બનાવી હોય તે પણ જાણે કડવી લાગે. ત્યારે પણ બીજા કહે કે, ભાઈ! આજ કજિયો કરશો નહિ. તેમ અહીં કહે છે પૂર્ણાનંદની પ્રતીતિમાં આ બધું—અલ્પજ્ઞતા, શરીર આદિપણું ન રહે તો કજિયો કરશો નહિ. તારા ભગવાનમાં રાગદ્વેષ, શરીર આદિ કાંઈ છે જ નહિ, જ્યાં જાય ત્યાં જવા દે, તારામાં એ નથી.
નિર્વિકલ્પસ્વરૂપની દૃષ્ટિ વડે એટલે અંતરાત્મદશા વડે પરમાત્મસ્વરૂપને અનુભવમાં લઈ, બહિરાત્મદૃષ્ટિ છોડી દે. શરીર રાગ, કર્મ આદિ હું છું એવી બહિરાત્મબુદ્ધિના અભાવમાં સ્વભાવ તરફની દૃષ્ટિ, જ્ઞાનરૂપ અંતરાત્મદશાને ઘૂંટતાં પોતે વ્યક્તરૂપે પરમાત્મદશાને પ્રાપ્ત થઈ જાય છે. હું પૂર્ણાનંદ પરમાત્મસ્વરૂપ છું એમ જે દૃષ્ટિ અને જ્ઞાને કબૂલ કર્યું તે અંતરાત્મદશા થઈ અને બહિરાત્મદશા ગઈ. હવે એ દશાને ઘૂંટતાં પોતે વ્યક્તરૂપે પર્યાયમાં પરમાત્મા થઈ જાય છે.
ભગવાન કદી પોતાના ગુણને છોડતો નથી અને પરને ગ્રહતો નથી. જે સત્ છે—શાશ્વત છે તે વસ્તુના અનંત ગુણો શી રીતે છૂટે? ગુણો છૂટી જાય તો વસ્તુનો જ અભાવ થઈ જાય. વસ્તુ કદી પોતાના ગુણને છોડતી નથી અને નિશ્ચયથી રાગ-દ્વેષને કદી ગ્રહતી નથી. સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકીનાથની વાણીમાં આવેલી આ વાત છે.
અજ્ઞાની જીવને દુઃખના સ્વરૂપની પણ ખબર નથી. અમારે તો પૈસા હોય તો ઠીક પણ મરણ વખતે શરીરમાં ઇયળો પડી હશે, ડોકટરો પણ હાથ ખંખેરી નાંખશે ત્યારે પૈસા શું કરશે ? ત્યારે તું જ રાડો પાડીશ કે અરે, હું તો છતે પૈસૈ દુઃખી થઈ ગયો ! અરે, ભાઈ! તું આનંદસ્વભાવી હોવા છતાં તું આનંદસ્વભાવની દૃષ્ટિના અભાવે દુઃખી છો. પૂર્ણાનંદ પરમાત્માની શ્રદ્ધા છોડી હું રાગવાળો અને હું શરીરવાળો છું એમ માનવું તે માન્યતા જ દુઃખ છે. તે દુઃખને તું ટાળી શકે છો. બીજો કોઈ તારા દુઃખને ટાળી શકે તેમ નથી.
પરમ સ્વરૂપ વસ્તુ છે, તે શાશ્વત છે, તેની અનંત શક્તિઓ શાશ્વત છે. તેમાં આનંદ જ ભર્યો છે છતાં તેનો અનાદર કરીને તે આનંદવિના જ ચલાવ્યું છે અને પુણ્ય–પાપનો આદર કર્યો છે કે તેના વગર મને ચાલતું નથી—એ જ મહા અમંગલિક મિથ્યાત્વભાવ છે.