________________
પ્રવચન-૩૧ )
[ ૧૮૧ લોકો શેઠને ત્યાં ફાળો લખાવવા ગયા ત્યાં શેઠે બીડી પીઈને દીવાસળીનું યુદ્ધ બાકસમાં નાખ્યું એ જોઈને લોકોને થયું આ શેઠ શું દેવાના હતાં ! એટલે શેઠે કહ્યું બોલો તમે શું આશા રાખો છો, તો કહે “દશ હજાર.” શેઠ કહે લખો દશ હજાર. ત્યારે લોકોને થયું કે આ તો આપણે માગતાં ભૂલ્યાં. શેઠ તો વધારે આપત. એમ અહીં ભગવાન પરમાત્મા કહે છે, માંગ માંગ ! તારે કેટલું જોઈએ છે? તારી પર્યાયમાં સિદ્ધપણું સ્થાપીએ છીએ તેનાથી વિશેષ તારે શું જોઈએ ! આમ કહીને સમયસાર શરૂ કર્યું છે. સમયસાર કહેવાની આચાર્યદેવની ગતિ જ જુદી જાતની છે. અમારી પાસે સિદ્ધથી ઓછું માગીશ નહિ. અનંતી સિદ્ધ પર્યાય પ્રગટ થાય એવી તારામાં તાકાત ભરી પડી છે.....પણ એને વસ્તુની કિંમત આવતી નથી તેથી એણે જેની કિંમત કલ્પી છે એવા નિમિત્ત, રાગ અને અલ્પજ્ઞતાની કિંમત કેમ છૂટે? પણ ભાઈ ! એની કિંમત છૂટ્યા વિના વસ્તુ હાથમાં નહિ આવે. ઘરે ભર્યા ભાણાં છોડીને એંઠા ચાટવા જેવી આ દશા છે. પર્યાયમાં ભલે નિમિત્ત સાથે કાર્ય-કારણ ભાવ હોય પણ વસ્તુમાં એ સંબંધ છે જ નહિ. એવો વિશ્વાસ એને કેમ આવે !
ભાઈ ! જે સત્ છે, શાશ્વત છે, અણકરાયેલું છે, કાળની હદ વિનાનું છે, તેના ભાવની શક્તિની શાશ્વતતાનું શું કહેવું ભાઈ! તેને કોઈ ક્ષેત્રના વિસ્તારની જરૂર નથી, ભાવની મોટપનો પાર નથી. પર્યાયને ભલે સ્થિતિ હો પણ સ્વભાવને કોઈ સ્થિતિ જ નથી, અનંત છે.
નામકર્મ અનેક જાતના ગતિ, જાતિ શરીરાદિકને ઉપજાવે છે, ગોત્રકર્મ ઊંચ-નીચ ગોત્રમાં ઉપજાવે છે અને અંતરાયકર્મ અનંતવીર્યને પ્રગટ થવા દેતું નથી. આ પ્રકારે કર્મો પર્યાયમાં આવા કાર્યો ઉપજાવે છે એવો કર્મ સાથે જીવને વ્યવહારથી નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે તોપણ શુદ્ધનિશ્ચયનયથી આત્માના અનંત જ્ઞાનાદિસ્વરૂપનો આ કર્મોએ નાશ કર્યો નથી અને ઉત્પન્ન પણ કર્યા નથી. આત્મા તો જેવો છે તેવો જ રહ્યો છે. તેની શક્તિની અનંતતાનો કોઈ અંત નથી. નવી ઉત્પન્ન થાય એ પણ પર્યાય છે. ધ્રુવ કદી ઉત્પન્ન થતું નથી. માટે કહે છે ભગવાન ! તારું ધ્રુવપણું તો એવું જ પડ્યું છે હો ! તને એ બેસતું કેમ નથી? જેવો તું અનાદિથી હતો તેવો જ છે અને રહેશે. ધ્રુવપણામાં કોઈ ઉણપ, અધિકતા, વિપરીતતા કે વિકાર કાંઈ થતું નથી.
ધ્રુવસ્વભાવમાંથી કેવળજ્ઞાન પ્રગટ થાય તોણ કાંઈ એ હીણો પડી જતો નથી. કેવળજ્ઞાન હો કે નિગોદમાં હો વસ્તુ તો ધ્રુવ સદા એવી ને એવી જ છે. આહાહા ! ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્મા મહાવીર ભગવાન આ છેલ્લી વાણી આપીને મુક્તિમાં પધાર્યા છે.
મુમુક્ષુ–પ્રભુ! આજે બોણી આપીને આપે અમને ન્યાલ કરી દીધા છે.
પ્રભુ! તારી પ્રભુતાની બેહદતા અમારા જ્ઞાનમાં આવી પણ વાણીમાં પૂરી ન પડે એવો તું છો !