________________
૧૬૮ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો નિજ સ્વભાવને હે યોગી! તું મનમાંથી બધાં લૌકિક વ્યવહારને છોડીને અને વીતરાગ-સમાધિમાં સ્થિર થઈને જાણ, અર્થાત્ ચિંતવન કર ! એમ કહે છે.
જુઓ ! મનથી લૌકિક વ્યવહાર છોડીને...તેમાં શું કહેવા માગે છે કે, બહારથી બાયડી-છોકરાં છોડીને એમ નહિ પણ મનમાંથી વિકલ્પરૂપ સંસારને છોડીને અને વીતરાગસમાધિમાં ઠરીને આત્માને જાણ ! રાગરહિત નિર્વિકલ્પ શ્રદ્ધા, રાગરહિત જ્ઞાન અને રાગરહિત શૈતિમાં ઠરીને આત્માને જાણ ! અરાગી પરિણતિ વડે આત્માને જાણ ! આત્મા આવો છે એમ એકલું જાણી લે એમ નહિ, વીતરાગસમાધિમાં ઠરીને આત્માને જાણ ! આ રીતે આત્મલક્ષ્મીનું પૂજન થાય છે.
પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ તારી ચીજમાં વિકલ્પ આદિ ભાવસંસાર નથી માટે વિકલ્પાદિસંસારભાવને, અરાગભાવમાં ઠરીને આત્માને જાણ ! ઉદયભાવનો આત્મામાં અભાવ છે માટે તેને મનમાંથી છોડી દે અને સ્વભાવની શ્રદ્ધા, શાંતિ અને ચારિત્ર દ્વારા ધીરજથી ઠરીને ચૈતન્ય-લક્ષ્મીસંપન્ન આત્માને જાણ ! અને તેનું ચિંતવન અથવા ધ્યાન કર !
બહુ મોટી વાત કરી પ્રભુ! પહેલું શું કરવું?—કે આ જ પહેલું કરવાનું છે. શ્રોતા –વર્તન કેમ કરવું? મુંઝવણ થઈ જાય છે.
પૂજ્ય ગુરુદેવશ્રી આત્માની શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ અને સ્થિરતા એ જ વર્તન છે. અનાદિથી મનમાં શુભ-અશુભભાવનું વર્તન થઈ રહ્યું છે કે જેનો સ્વરૂપમાં અભાવ છે ત્યાંથી પડખું ફેરવીને વિકલ્પરહિત સ્વભાવમાં એકાગ્રતા કરીને તેને જાણ ! તેનું વર્તન કર !
ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાનઘન શાશ્વત અનંત છે એટલે શાશ્વતમાં કયાંય તેનો અંત નથી. તેની અનુભૂતિમાં સંસાર અને બંધનો અભાવ છે. લોકો વ્યવહાર કરો. વ્યવહાર કરો તો ધર્મ થાય એમ પોકાર કરે છે પણ ભાઈ ! એ વ્યવહારની વસ્તુમાં અભાવ છે. જે વિકલ્પ વડે તું લાભ લેવા માગે છે તે વિકલ્પો વસ્તુમાં નથી. માટે એવો નિર્ણય કર કે, મારામાં વિકલ્પરૂપ સંસારભાવનો અભાવ છે. એમ નિર્ણય કરીને, સંસારભાવનું લક્ષ છોડીને, જેમાં એ સંસાર નથી પણ અનંત આનંદ આદિ પૂર્ણ ગુણોથી ભરેલો સ્વભાવ છે તેનું લક્ષ કર ! તેમાં અંતર નજર કર! શાંતસ્વભાવમાં ઠર ! તો તને આનંદ થશે.
અહીં તો જેને આત્મા પ્રાપ્ત કરવો હોય અથવા પરમાત્મસ્વરૂપ સમજવું હોય તેને માટેની વાત છે. બાકી શુભ વ્યવહારના તો અનેક પ્રકારો હોય છે પણ તે કાંઈ આત્મા નથી કે આત્મપ્રાપ્તિના ઉપાય પણ નથી. માટે તે શુભવિકલ્પોથી ધર્મ કે મોક્ષ થતો નથી.
ભાવાર્થ :–શુદ્ધાત્માની અનુભૂતિથી ભિન્ન જે સંસાર અને સંસારનું કારણ બંધ તે બંનેથી રહિત અને આકુળતાથી રહિત એવા લક્ષણવાળો મોક્ષના મૂળ કારણરૂપ જે શુદ્ધાત્મા છે તે જ સર્વથા આરાધવા યોગ્ય છે.