________________
અચિંત્ય અનંત જ્ઞાન–સ્વભાવ માં
(સળંગ પ્રવચન નં. ૩૦) यस्य परमार्थेन बन्धो नैव योगिन् नापि संसारः । तं परमात्मानं जानीहि त्वं मनसि मुक्त्वा व्यवहारम् ॥४६।। ज्ञेयाभावे वल्ली यथा तिष्ठति ज्ञानं वलित्वा ।
मुक्तानां यस्य पदे बिम्बितं परमस्वभावं भणित्वा ॥४७॥ શ્રી પરમાત્મપ્રકાશ ગ્રંથના પ્રથમ અધિકારની ૪૬મી ગાથા શરૂ થાય છે. શબ્દાર્થ લઈએ.
“હે યોગી !' કહીને જેણે શુદ્ધ ચિદાનંદ આત્મા સાથે સંબંધ જોડાણ કર્યું છે તેને યોગી કહીને સંબોધન કર્યું છે.
આત્મા ખરેખર કેવો છે?—કે, નિજ સ્વભાવથી ભિન્ન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ પાંચ પ્રકારના પરિવર્તનરૂપ સંસારથી રહિત છે. શુદ્ધ જ્ઞાનઘનનો પરદ્રવ્ય સાથે સંસર્ગ થવો તે દ્રવ્યસંસાર છે, પરક્ષેત્રમાં ભ્રમણ કરવું તે ક્ષેત્રસંસાર છે, દરેક કાળમાં પરિભ્રમણ કરવું તે કાળસંસાર છે, નરકાદિ ચાર ગતિમાં ભ્રમણ તે ભવસંસાર છે અને શુભ-અશુભભાવોમાં રખડવું તે ભાવસંસાર છે. આ પાંચ પ્રકારના પરાવર્તનરૂપ સંસાર નૈવ એટલે વસ્તુમાં નથી.
વસ્તુનું સ્વરૂપ તો અનાદિ-અનંત, જ્ઞાનઘન, આનંદની મૂર્તિ છે અને રાગાદિ વિકાર, મિથ્યાત્વ અને પાંચ પ્રકારના સંસાર તો તેનાથી વિરુદ્ધભાવ છે માટે તે વસ્તુના સ્વરૂપમાં નથી અને સંસારના કારણરૂપ એવા કર્મના પ્રતિબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધરૂપ આ ચાર પ્રકારના બંધ પણ વસ્તુમાં નથી. દ્રવ્યબંધના કારણે ભાવબંધ થાય છે અને ભાવબંધના કારણે દ્રવ્યબંધ થાય છે. તે બંનેનો વસ્તુના સ્વભાવમાં અભાવ છે. દ્રવ્યસ્વભાવ તો એકલા જ્ઞાનાનંદનો ઘપિડ છે તેમાં સંસાર અને સંસારના કારણરૂપ બંધનો અભાવ છે. માટે આત્મા સંસાર રહિત-મોક્ષસ્વરૂપ છે અને બંધરહિત-અબંધસ્વરૂપ છે.
જુઓ ! આ ધનતેરસની લક્ષ્મી આવી. આ તમારાં ધૂળના ધનની પૂજા કરવાની વાત નથી. અહીં તો ચૈતન્યઘન, કેવળજ્ઞાનરૂપી ધનની પૂજા કરે તેણે પૂજન કર્યું કહેવાય. ચોપડામાં લખે ને, આળસ જાવ ને ધન આવો. તેનો અર્થ શું?—કે, ચિદાનંદલક્ષ્મી આવો અને ભવભાવનો નાશ થાઓ.
આઠ કર્મોનો બંધ કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયની પ્રગટતારૂપ મોક્ષથી વિરુદ્ધ છે. સ્વભાવથી સંસાર વિરુદ્ધ છે અને મોક્ષથી બંધ વિરુદ્ધ છે. આ સંસાર અને બંધ રહિત