________________
પ્રવચન-૧ )
[ ૬
જે કારણસમયસારરૂપ હતા તે હવે ભગવાન કાર્યસમયસારરૂપ થયા. સિદ્ધપર્યાય પહેલાં પ્રગટરૂપે ન હતી તે હવે પ્રગટ થઈ એટલે પોતાનું કાર્ય પૂર્ણ કરીને કૃતકૃત્ય થઈ ગયા. તેવા ભગવાનને કાર્યસમયસાર–કાર્યજીવ કહેવામાં આવે છે.
આ બધી સમજાય તેવી વાતો છે. ભાઈ! તું પોતે જ કેવળજ્ઞાનનો કંદ છો. સિદ્ધ ભગવાન એક સમયમાં સમસ્ત લોકાલોકને જાણે છે. એવી તો એક જ્ઞાનગુણની એક પર્યાયની તાકાત છે ! એવી તો બીજા અનંત ગુણોની અનંત પર્યાય જુદી–એવી બધી તાકાત તારામાં પણ પડી છે.
આચાર્ય કહે છે અને સિદ્ધના સ્વરૂપને ઓળખીને નમસ્કાર કરીએ છીએ. સમજ્યા વિના અમે “નમો સિદ્ધાણં' કરતાં નથી.
જેમ સોનું પહેલાં તાંબા આદિની મલિનતા સહિત હોય છે, તેને તપાવતાં તે સોળવલું શુદ્ધ સોનું થાય છે, તેમ રાગ-દ્વેષાદિની મલિનતા સહિત આત્મા હતો તે ધ્યાનાગ્નિ વડે મલિનતાને નષ્ટ કરીને શુદ્ધ અર્થાત્ સિદ્ધ થાય છે.
પંચાસ્તિકાયમાં ભગવાન કુંદકુંદ આચાર્યે કહ્યું છે કે ભગવાન પર્યાયનયે અભૂતપૂર્વ સિદ્ધ થયા છે. એટલે પૂર્વે સિદ્ધ ન હતા, હવે થયાં એ પર્યાયને જાણનારા-પર્યાયાર્થિકનયનું કથન છે અને આત્મા ત્રિકાળ શક્તિરૂપે સિદ્ધ છે તે દ્રવ્યાર્થિકનયનું કથન છે.
હવે અહીં “નયે શરૂ થઈ છે. વસ્તુને પૂર્ણ જાણે તેને “પ્રમાણ” કહેવાય અને 5 વસ્તુના એક-એક અંશને જાણે તેને નય કહેવાય છે. વસ્તુની શક્તિને બતાવે તે દ્રવ્યાર્થિકનયનું કથન છે અને પ્રગટ પર્યાયને બતાવે છે તે પર્યાયાર્થિકનયનું કથન છે. વાત તો બધી સીધી ને સાદી છે પણ કોઈ દિ આંગણે ચડ્યો નથી એટલે અઘરું લાગે છે. આંગણે ચડે તોપણ ઉપર ટપકે જઈને પાછો આવે છે પણ કોઈ દિ પડદા તોડી ફોડીને વસ્તુનું તત્ત્વ શું છે તે જોવાની દરકાર કરી નથી.
વસ્તુને જોવાની બે આંખો છે : એક દ્રવ્યને જોનારી દ્રવ્યાર્થિકનયની આંખ અને 9 એક પર્યાયને જોનારી પર્યાયાર્થિકનયની આંખ. આ બે આંખથી જુએ ત્યારે આખી વસ્તુ દેખાય છે.
જેમ સુવર્ણપાષાણમાં સોનું તો ત્રિકાળ શુદ્ધ સુવર્ણરૂપે રહેલું છે પણ તેને અન્ય ધાતુથી ભિન્ન કરીએ ત્યારે એકલું શુદ્ધ સોનું પ્રગટ થઈ જાય છે તેમ, દરેક આત્મામાં ગુણરૂપે તો સિદ્ધપણું પડ્યું જ છે પણ તે જ્યારે પર્યાયમાં પરિણમે ત્યારે સિદ્ધદશા–મોક્ષ કહેવાય છે.
*