________________
/ પરમાત્મપ્રકાશ પ્રવચનો જેમ, મેઘપટલ (વાદળા)માંથી બહાર નીકળેલાં સૂર્યના કિરણોની પ્રભા પ્રબળ હોય છે તેમ ધ્યાનાગ્નિ વડે કર્મપટલનો નાશ થતાં અત્યંત નિર્મળ કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ અને અનંત વીર્યરૂપ અનંત ચતુષ્ટયની પ્રગટતાસ્વરૂપ પરમાત્મા પરિણત થાય છે. શક્તિમાં તો અનંત ચતુષ્ટય હતાં જ પણ અનાદિથી પર્યાયમાં મલિનતા હતી તેનો નાશ થઈને હવે પર્યાયમાં પણ અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે.
સંસાર એક પર્યાય છે તેમ મોક્ષમાર્ગ પણ આત્માની એક પર્યાય છે અને સિદ્ધ પણ આત્માની પર્યાય છે. અવસ્થા વગરનું તત્ત્વ ત્રણકાળમાં કોઈ દિવસ હોય નહિ. ભગવાન પણ સિદ્ધપર્યાયપણે સાદિ અનંતકાળ પરિણમ્યા કરે છે. સમયે-સમયે પરમાત્મદ્રવ્ય પરમાત્મપર્યાયપણે પરિણમ્યા કરે છે. વસ્તુનું પર્યાયરૂપે પરિણમવું તે તેનો સ્વતઃ ધર્મ છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ જેમ છે તેમ સમજ્યા વિના ભગવાન જે તત્ત્વ કહે છે તે તત્ત્વ હાથમાં નહિ આવે. જૈન કોઈ સંપ્રદાય નથી. “જૈન એટલે વસ્તુનું તત્ત્વ' વસ્તુના સ્વભાવનું લક્ષ કરીને જેણે રાગ-દ્વેષ અને અજ્ઞાનને જીત્યા તેને ભગવાન જૈન કહે છે.
ભગવાને શક્તિમાં-ગુણમાં જે અનંત ચતુષ્ટય હતા તે પર્યાયમાં પ્રગટ કર્યા તેથી ભગવાનને સિદ્ધ કહ્યાં છે. અનંત ચતુષ્ટય અને સ્વચતુષ્ટયમાં શું ફેર છે તે ખબર છે ને ! થોડા દિવસ પહેલાં વાત થઈ ગઈ છે. સ્વચતુષ્ટય એટલે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. જે દરેક દ્રવ્યમાં હોય છે અને અનંત ચતુષ્ટય એટલે જીવમાં અનંત જ્ઞાનાદિ ગુણો શક્તિમાં પડ્યા છે તેની વાત છે. જીવને આ યાદ નથી રહેતું. ગાળને ગાંઠે બાંધે છે પણ ગુણને ગાંઠે બાંધતો નથી, તેથી ક્યાંથી યાદ રહે ! વર્ષો પહેલાં કોઈએ ગાળ દીધી હોય તે યાદ રહે છે પણ પોતાના ગુણો પોતાને યાદ રહેતાં નથી.
અરે જીવ! તું કયાં ભૂલ્યો ભમે છો! તું ભગવાન છો ને! ભગવાને જેવું પર્યાયમાં સિદ્ધપદ પ્રગટ કર્યું તેવું તારે કરવાનું છે. તારું કામ જ એ છે, બીજું કાંઈ તારું કામ નથી. તારા ખિસ્સામાં જ ભરેલાં પૈડા તારે ખાવાના છે. તારા સ્વરૂપમાં અનંત જ્ઞાનાદિના પેંડા ભર્યા છે તેને અંતર્દષ્ટિ કરીને ખા એટલી જ વાર છે. તારી અનાદિની ભૂખ ભાંગવા કયાંય બહાર જવાનું નથી.
જીવને પોતાની મહિમા આવે તો દષ્ટિ કરે ને ! સમયસારમાં કહ્યું છે ને ! તું એકવાર તારા સ્વરૂપનું કુતૂહલ તો કર ! ઓઝલમાંથી બહાર નીકળેલી રાણી જોવાનું કુતૂહલ થાય તેમ તારો અનંત ચતુષ્ટયનો ભંડાર ભગવાન આત્મા રાગની આડમાં ઓઝલમાં પડ્યો છે તેને જોવાનું કુતૂહલ તો કર ! અહીં કહે છે કે સિદ્ધ ભગવાને જે અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે તે જ તારે પ્રગટ કરવા લાયક છે.
ભગવાન એક સમયમાં આખા લોકાલોકના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે. અનાદિથી