________________
પ્રવચન-૧
/ ૩
જશે તો આકાશના ફૂલ નીકળશે. મૂળ વસ્તુ હાથમાં નહિ આવે, ઊલટું ચારગતિનું ભ્રમણ પ્રાપ્ત થશે.
ભગવાનની દશા પણ અનાદિથી મેલી હતી તેને ભગવાનને ધ્યાનાગ્નિ દ્વારા નષ્ટ કરી. ધ્યાન એટલે અખંડ દ્રવ્યસ્વભાવ ઉપર દૃષ્ટિ લગાવીને તેમાં સ્થિર થવું તે. સમ્યગ્દર્શન
–
પણ એક ધ્યાન છે, સમ્યજ્ઞાન પણ ધ્યાન છે અને સમ્યક્ચારિત્ર પણ ધ્યાન છે.
અહીં આખું વીતરાગે કહેલું તત્ત્વ શી રીતે સિદ્ધ થાય છે, કઈ નયની અપેક્ષાએ તેમાં કથની છે, તે બધું આમાં સમાવી દીધું છે. ભગવાનને પહેલાં સંસાર અવસ્થામાં ભાવકર્મ એટલે પોતાની પર્યાયમાં રાગાદિની મલિનતા હતી તે તથા સાથે સંબંધમાં નિમિત્ત તરીકે આઠ કર્મોનું બંધન પણ હતું તે, ભગવાને ધ્યાનાગ્નિ વડે—ભાવકર્મની મલિનતાનો તો નાશ કર્યો પણ—કર્મોને પણ ભસ્મ કર્યા એટલે કર્મના રજકણોની અવસ્થા અકર્મરૂપ થઈ ગઈ તેથી ભગવાને કર્મને ભસ્મ કર્યા કહેવામાં આવે છે.
આમ, ધ્યાનાગ્નિ વડે કર્મોને ભસ્મ કરીને ભગવાન નિત્ય, નિરંજન, જ્ઞાનમય દશાને પ્રાપ્ત થયા. વસ્તુમાં જે શક્તિ હતી તે ભગવાને પર્યાયમાં પ્રગટ કરી એટલે સિદ્ધ થયાં. જુઓ ! ‘સિદ્ધ પરમાત્મા થયા' એમ કહ્યું છે એટલે અનાદિથી બધાં સદાશિવ શુદ્ધ જ છે એ વાતનો આમાં નિષેધ થઈ ગયો.
આ જૈનદર્શનમાં સત્ય તત્ત્વ ભર્યું છે પણ તે સમજવાની જીવોને ફુરસદ નથી. ૨૪ કલાક ધંધાની માથાફોડમાં ને મોજશોખમાં પૂરા કરી દે છે. પછી ક્યારેક કલાક બે કલાક સાંભળવા આવે તો ક્યાંથી સમજાય! શાસ્ત્રમાં દાખલો આવે છે કે તળાવ ઉપર લીલગના ગોદડા જેવાં થર જામ્યાં હોય એટલે તળાવની અંદર રહેલાં કાચબા આદિ જલચરે કોઈ દિવસ સૂર્ય-ચંદ્રનો પ્રકાશ જોયો ન હોય તેમાં ક્યારેક પવનના જપાટામાં લીલફુગમાં તડ પડી તેમાંથી એક કાચબાને પ્રકાશ દેખાયો ને આશ્ચર્ય થયું. તેને થયું લાવ, મારા બધાં કાચબાઓને આ દેખાડું. જ્યાં બધાં આવ્યાં ત્યાં તો પડ ભેગું થઈ ગયેલું તેથી કાંઈ દેખાણું નહિ. તો બધાં કહે અરે! આ તો પાગલ થઈ ગયો છે. પ્રકાશ તે વળી શું હોય ! અમે તો કોઈ દિવસ કાંઈ જોયું નથી. અરે ભાઈ! પણ કાંઈક છે ખરું. મેં નજરે જોયું છે એમ પહેલો કાચબો કહે છે. તેમ, અનાદિના અજ્ઞાનીને આત્માનું ભાન થતાં બીજાને કહે છે તો બીજા તેને પાંગલ કહે છે કે અમે તો કોઈ દિવસ શુદ્ધ આત્મા જોયો નથી, તું ક્યાંથી લાવ્યો ?
અહીં યોગીન્દ્રદેવની ગાથાનો અર્થ કરતાં બ્રહ્મદેવ કહે છે કે જેણે ધ્યાનાગ્નિ વડે કર્મોને ભસ્મ કરીને સિદ્ધદશા પ્રાપ્ત કરી છે એવા ભગવંતોને નમસ્કાર કરીને હું પરમાત્મ-પ્રકાશનું વ્યાખ્યાન કરું છું.