________________
પ્રવચન-૨૯)
[ ૧૬૬ રાગનો રસ દુઃખરૂપ છે, ઝેર છે. કોઈ પણ જાતનો રાગ-વિકલ્પ, મન, શરીર, વાણી કે શબ્દના આશ્રયે આત્મા જણાય તેવો નથી, પ્રવચનસારમાં કહ્યું છે કે આ શાસ્ત્રોનું સાંભળવું એ પણ નિમિત્ત માત્ર છે. ખરેખર, વસ્તુ તો જ્ઞાનગમ્ય છે, શાસ્ત્રગમ્ય નથી અને એ નિમિત્ત પણ કયારે કે જ્યારે સ્વના લક્ષે કાર્ય થાય ત્યારે શાસ્ત્ર આદિને નિમિત્ત કહેવાય છે. રાગ વિનાનો આત્મા અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ અને અતીન્દ્રિય સુખ વડે સધાય તેવો છે. ઈન્દ્રિયો અને ઇન્દ્રિયના જ્ઞાનથી તો આત્મા અગમ્ય છે.
પોતાના સ્વરૂપનું સ્વાધીન સાધન પોતામાં પડ્યું છે તેની ખબર નથી, શ્રદ્ધા નથી કે મારી શાંતિના સાધન માટે મારે કોઈ વાણી, વિકલ્પ કે શબ્દની જરૂર નથી, મારું સાધન મારામાં છે. બીજાને સારે મોઢે બોલાવે અહો ! ભાઈ સાહેબ પધાર્યા! આંગણે સૂરજ ઊગ્યો, અજવાળાં થયાં; એને એમ હોય કે સારે મોઢે બોલાવશું તો કોઈવાર કામ લાગશે. ભાઈ ! કોઈ તેને સુખમાં કામ નહિ લાગે, દુઃખના નિમિત્ત થશે. બીજા પાસેથી મોટપ લેવામાં સુખ નથી પણ દુઃખ છે.
ભગવાન આત્માને તો કોઈ પાસેથી કામ લેવું નથી. કોઈને સાધન બનાવવા નથી. ઘણાં વર્ષ પહેલાં કોઈએ પ્રશ્ન કરેલો કે આ પંચાધ્યાય બહુ સરસ શાસ્ત્ર છે તે કોઈ હજાર છપાવે તો મોક્ષ થાય કે નહિ? કીધું લાખ છપાવે તોપણ મોક્ષ ન થાય. અહીં તો ઘણી જાતના પ્રશ્નો આવે. પરમાણુની પર્યાયને બનાવે કોણ! બનાવવાનો વિકલ્પ ઊક્યો છે તે પણ રાગ છે. તેનાથી આત્માને કલ્યાણ કેવી રીતે થાય? કુંદકુંદઆચાર્યે સમયસાર બનાવ્યું તેનાથી તેમનું કલ્યાણ થયું છે? એ તો પરમાણુનું પરિણમન છે, વિકલ્પ ઊઠ્યો તે રાગ છે તેનાથી આત્માનું હિત ન થાય.
માટે, અહીં કહ્યું છે કે આત્મા ઇન્દ્રિયોથી અગમ્ય છે. આત્મા સ્વજ્ઞાનમાં ગમ્ય છે, પરજ્ઞાનમાં આત્મા ગમ્ય થતો નથી. અહીં તો પરમાત્માને ખુલ્લો કરવા માટે વારંવાર એની એ વાત ઘૂંટાવી છે માટે કોઈએ પુનરુકિત દોષ ન લેવો. આ તો ભાવનાનો ગ્રંથ છે. ભૂખ લાગે છે તેથી વારંવાર ખાવા કેમ જાય છે ! રોજ રોજ એકની એક રોટલી, દાળ, ભાત, શાક ખાતાં કંટાળતો નથી. તેમ આત્માની વાતમાં રુચિવાળો જીવ) કંટાળતો નથી. તેને વસ્તુની દૃઢતા થાય છે.
ઉપાદેયભૂત અતીન્દ્રિય સુખનું સાધન પોતાનો પરમાત્મસ્વભાવ જ ઉપાદેય છે એ વાત કહીને હવે ૪૬મી ગાથામાં કહે છે કે નિશ્ચયથી જેમાં બંધ અને સંસાર નથી તે આત્મા છે. તેને સર્વ લૌકિક વ્યવહાર છોડીને સારી રીતે ઓળખો.
સત્ સ્વરૂપની દૃષ્ટિએ વસ્તુને જુઓ તો એકલો સત્...સત્સ ના સત્ત્વ સ્વરૂપ, એકરૂપ વસ્તુને બંધ પણ નથી અને સંસાર પણ નથી.