________________
૧૬૪ /
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો છે પણ ભગવાન આત્મા પોતે એ ઈન્દ્રિયો અને વિષયો વડે જણાય તેવો નથી.
દિવ્યધ્વનિ એ પણ શબ્દ છે, ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે પણ એ શબ્દ છે તેના જ્ઞાન વડે આત્મા જણાય તેવો નથી. કેમ કે આત્મા ઇન્દ્રિયોથી અગોચર છે. એ જ રીતે ભગવાનની પ્રતિમા કે આ શાસ્ત્રના પાના કે શબ્દોથી કે વાણીથી આત્મા જણાય તેવો નથી. તો ભગવાન આત્મા જણાય કેવી રીતે?—કે અંતરના અતીન્દ્રિયજ્ઞાનથી આત્મા જણાય તેવો છે. - ઘરમાં બે-પાંચ લાખનું મણિ આવે તો તેને જોવા બધાં ભેગાં થાય તેના પ્રકાશ, તેના પાસા, તેની ઊંડપ, ગહનતા વગેરે અનેક પ્રકારોને જોવા લાગે. એવો ટગ ટગ લેગાવીને જુએ કે બીજો કાંઈ ખ્યાલ પણ ન રહે. ભૂખ લાગી હોય, જમવા બોલાવતાં હોય. દુધપાક બનાવ્યો હોય તોપણ કહે, પહેલાં મને જોઈ લેવા દ્યો બરાબર. કેમ કે તેની નજર મણિમાં લાગી ગઈ છે. તેમ અહીં તને ચૈતન્યમૂર્તિ ભગવાન નજરે દેખાડવામાં આવે છે પણ તેને જોવા માટે આંખ કે ઇન્દ્રિયજ્ઞાન નહિ ચાલે, અતીન્દ્રિયજ્ઞાન વડે જ પ્રભુ તને દેખાશે. તેને જોવા જઈશ ત્યાં ઇન્દ્રિય અને ઇન્દ્રિય તરફનું જ્ઞાન તુરત અટકી જશે.
આ તો પરમાત્મપ્રકાશ છે ને ! પરમાત્મામાંથી પ્રગટેલા પ્રકાશથી પરમાત્મા જણાય છે. ઈન્દ્રિયો અને ઇન્દ્રિય તરફના પ્રગટેલા જ્ઞાનના પ્રકાશથી તે જણાય તેવો નથી. એટલે કે બહિર્મુખની લાગણીથી કે પરલક્ષી પરિણતિથી તે પકડાય તેવો નથી. તે તો અંતર્મુખના લક્ષે જ લક્ષમાં આવી શકે તેવો છે.
માણસને એમ લાગે કે આ કેવી એકાંત......એકાંતની વાત કરે છે પણ ભાઈ ! વસ્તુનું સ્વરૂપ જ એવું એકાંતસ્વરૂપ છે.
પાંચ ઇન્દ્રિયોના વિષય-સુખના આસ્વાદથી વિપરીત, વીતરાગ નિર્વિકલ્પ પરમાનંદ સમરસીભાવરૂપ, સુખરસના આસ્વાદરૂપ, પરમ સમાધિ વડે જ જાણવામાં આવે છે તે જ્ઞાનગમ્ય છે.
પાંચ ઇન્દ્રિયના વિષયોને ભોગવતાં જે રાગનો–દુઃખનો-ઝેરનો સ્વાદ આવે છે તેનાથી વિપરીત જ્ઞાન-આનંદ શાંતિના સ્વાદ વડે જે જાણવામાં આવે છે તે પરમાત્મા છે. અંતર સ્વભાવની રાગ રહિત નિર્વિકલ્પ દૃષ્ટિમાં વીતરાગતા અને આનંદ છે જ્યારે ઇન્દ્રિય અને તેના વિષય તરફના લક્ષમાં રાગ અને દુઃખ છે.
સમાધિ એટલે વીતરાગી જ્ઞાન અને આનંદની દશા. લોકો સમાધિ કરવાનું કહે છે તે સમાધિ નથી. જ્ઞાન અને આનંદસ્વરૂપનું અસ્તિત્વ–આત્મા, તેની એકાગ્રતાથી જે જ્ઞાન-આનંદ પ્રગટ થાય છે તે વડે આત્મા ગમ્ય થાય છે–જાણવામાં આવે છે. રાગ વિનાની વીતરાગી શાંતિ અને જ્ઞાન વડે જે જાણવામાં આવે છે તે આત્મા જ ઉપાદેય છે. પોતાના અતીન્દ્રિય સુખનું સાધન જે પોતાનો આત્મા તે જ ઉપાદેય આરાધવા યોગ્ય છે.