________________
દેહમાં પરમાત્માના નિવાસથી ઇન્દ્રિયો પણ જીવંત દેખાય છે
(સળંગ પ્રવચન નં. ૨૯)
देहे वसता येन परं इन्द्रियग्रामः वसति । उद्वसो भवति गतेन स्फुटं स परमात्मा भवति ॥४४॥
यः निजकरणैः पञ्चभिरपि पञ्चापि विषयान् जानाति । ज्ञातः न पञ्चभिः पञ्चभिरपि स परमात्मा भवति ॥४५॥
શ્રી પરમાત્મપ્રકાશ ગ્રંથના પ્રથમ અધિકારની આ ૪૩મી ગાથા પૂરી થઈ. હવે ૪૪મી ગાથા શરૂ થાય છે.
પરમાત્મસ્વરૂપ આત્માના રહેવાથી દેહમાં પાંચ ઇન્દ્રિયરૂપ ગામ વસે છે અને જેના નીકળી જવાથી પાંચ ઇન્દ્રિયરૂપ ગામ ઉજ્જડ થઈ છે, તે પરમાત્મા છે એમ કહે છે. ભગવાન આત્મા દેહમાં વસે તો દેહમાં ઇન્દ્રિયગામ વસે છે એટલે કે તે તે સમયના જ્ઞાન વડે ઇન્દ્રિયો જાણવાનું કામ કરે છે. જ્ઞાનના નિમિત્તે પાંચેય ઇન્દ્રિયોમાં જાગૃતિ દેખાય છે અને ભગવાન આત્મા દેહમાંથી ચાલ્યો જાય ત્યાં ઇન્દ્રિયગામ ઉજ્જડ થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે.
અસદ્ભૂત વ્યવહારનયથી આત્મા દેહમાં વસે છે તો ઇન્દ્રિયો પણ જાણે જાગતી હોય એમ દેખાય છે અને આત્મા ચાલ્યો જતાં ઇન્દ્રિયો જડ બની જાય છે એટલે કે તે તે પ્રકારના જ્ઞાનના અંશનું જાગૃતપણું ત્યાં રહેતું નથી, તેથી ઇન્દ્રિયો જડ જણાવા લાગે છે. જ્ઞાનની મૂર્તિ ભગવાન આત્મા વસે છે ત્યાં જાણે ઇન્દ્રિયોનું ગામ વસે છે એમ લાગે છે અને તે જતાં ઇન્દ્રિયગામ ઉજ્જડ બની જાય છે.
ઇન્દ્રિયો તો શરીરના અવયવ છે, તે કાંઈ જાગૃત નથી પણ આત્મા તેમાં વસતો હોવાથી તે તે ઇન્દ્રિય સંબંધીના જ્ઞાન વડે જાણે ઇન્દ્રિયો જાગૃત છે એમ લાગે છે. ઇન્દ્રિયજ્ઞાનની જાગૃતિને લઈને ઇન્દ્રિયો જીવંત છે એમ દેખાય છે પણ જ્ઞાન તો અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવી છે અને ઇન્દ્રિયો તો અચેતન છે. ભગવાન આત્મા એકલો જ્ઞાનનો ગાંગડો-જ્ઞાનસ્વભાવી ભગવાન છે તે દેહમાં વસેલો છે પણ દેહથી ભિન્ન છે.
જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા તો મહિમાવંત છે, દેહની કાંઈ મહિમા નથી, પણ પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવના ભાન વગર આત્મા જે દેહમાં વસે છે તે દેહની ઇન્દ્રિયોમાં જ્ઞાન જાગૃતિનું કામ કરે છે. અખંડ, પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવના જ્ઞાનના અભાવે વર્તમાનમાં