________________
પ્રવચન-૨૭)
[ ૧૪૯ /એક વિકલ્પથી માંડીને કાંઈ પણ કરવાપણું આત્મામાં બિલકુલ નથી પણ જાણવાની અપેક્ષાએ આખું લોકાલોક તેના જ્ઞાનમાં વસે છે. સ્વપર-પ્રકાશક સામર્થ્યમાં બધાને જાણવારૂપ આત્માની શક્તિ છે.
આત્માના જ્ઞાનપ્રકાશમાં જાણે આખું જગત અંદર આવી ગયું હોય તેમ પ્રતિભાસે છે અને આખા જગતમાં પોતે વ્યાપી ગયો છે છતાં આત્મા જગતની કોઈ ચીજને કે રાગાદિને કદી અડતો નથી. આત્મા જ્ઞાતા છે અને જગત જોય છે એટલે શું?–જ્ઞાનસ્વરૂપ ચૈતન્યગોળો પોતે જાણનાર છે અને વિકલ્પથી માંડીને આખું જગત જોય છે. એટલે જાણવાની અપેક્ષાએ આખું જગત જ્ઞાનમાં વસે છે અને પોતે જગતમાં વસે છે છતાં જગતને બિલકુલ અડતો નથી,
અરે, જ્ઞાતા ભગવાન અત્યારે પણ પુણ્ય-પાપના રાગને બિલકુલ અડતો નથી. એણે માન્યતા ઊંધી કરી છે પણ વિકલ્પરૂપે થઈ ગયો નથી. ઘરમાં કાચના ગોળા લટકતા હોય ને? તેમાં ઘરના બારી-બારણા આદિ જે ચીજ જેમ હોય તેમ દેખાય છે ને ! તેમ ચૌદ બ્રહ્માંડરૂપી ઘરમાં ચૈતન્યગોળો નિરાલંબી કર્મ અને શરીરના આધાર વિના અદ્ધર લટકી રહ્યો છે તેમાં ચૌદ બ્રહ્માંડ દેખાય છે પણ એણે કોઈ દિ’ નજર કરી નથી. આંધળો થઈને ફરે છે.
આવો આત્મા ક્યાં બેઠો હશે? એમ શંકા કરે છે તે પોતે જ ચૈતન્ય આત્મા સ્વરૂપમાં બેઠો છે. જુઓ ! આ જ્ઞાનની વર્તમાન પ્રગટ પર્યાયમાં શરીર જણાય છે કે નહિ? રાગ જણાય છે કે નહિ? બાયડી, છોકરાં જણાય છે ને ! ભૂતકાળમાં આમ હતું, ભવિષ્યમાં આમ થશે એ બધું જણાય છે ને ! તો એમ આ જ્ઞાનમાં તેનું જગત જણાય છે અને જગતમાં પોતે વ્યાપી ગયો દેખાય છે પણ જીવ તે રાગાદિ વિકારને, શરીરને કે સંયોગોને અડ્યો જ નથી. છે, ધીમેથી વિચાર કરો કે આ જ્ઞાનપર્યાય આ બધું જાણે છે કે નહિ? આ હું અનાદિનો છું, સંયોગ અનાદિના છે, આ રાગ છે, કર્મ છે, રખડનારા જીવો છે, ભવિષ્યમાં આમ રખડશે એ બધું જ્ઞાન, પર્યાયમાં વર્તે છે કે નહિ? હા વર્તે છે. એવો જ આ જ્ઞાનસ્વભાવ છે કે તે સર્વને જાણે-દેખે છે. એ જ્ઞાનસ્વભાવમાં જ પોતે બેઠો છે પણ ભ્રમણામાં એમ માને છે કે હું રાગ અને શરીરમાં બેઠો છું. એ ભ્રમણા મિથ્યાત્વ છે.
આ તો રોટલાનો ગરભલો કાઢીને અપાય છે ભાઈ! માતા બાળકને બાજરાના ઝીણા લોટનો પોચો રોટલો બનાવીને તેમાંથી પણ વચલો ગરબલો કાઢીને તેમાં ઘી, ગોળ નાંખીને આપે છે ને ! તેમ આ તત્ત્વોનો માલ કાઢીને અપાય છે તો કહે હવે અમને ખવરાવો. ભાઈ ! ખાવું તો તારે પડે ને !