________________
ચૈતન્ય-ગોળાને છૂટો અનુભવવાની રીત
(સળંગ પ્રવચન નં. ૨૭)
यो जीवः हेतुं लब्ध्वा विधिं जगत् बहुविधं जनयति । लिङ्गत्रयपरिमण्डितः स परमात्मा भवति ॥ ४० ॥
यस्य अभ्यन्तरे जगत् वसति जगदभ्यन्तरे य एव
जगति एव वसन्नपि जगत् एव नापि मन्यस्व परमात्मानं तमेव ॥४१॥ શ્રી પરમાત્મપ્રકાશના પ્રથમ અધિકારની આ ૪૦મી ગાથા ચાલે છે.
આ ભગવાન આત્મા વસ્તુ દૃષ્ટિએ જુઓ તો શુદ્ધ અને જ્ઞાનાનંદસ્વરૂપ જ છે. નિશ્ચયદૃષ્ટિ એટલે સત્યદૃષ્ટિથી જોતાં આત્મા પોતે જ પરમાત્મા છે.
શુદ્ધ નિશ્ચયનયથી પોતે જ પરમાત્મા હોવા છતાં પોતાના અતીન્દ્રિય આનંદ, જ્ઞાન અને શાંતિને ભૂલીને પોતે જ અશુદ્ધરૂપે પરિણમ્યો છે. શુદ્ધજ્ઞાન, આનંદ, શાંતસ્વરૂપની પ્રતીતિ ન કરતાં, આત્માથી વિરુદ્ધ એવા શુભ-અશુભભાવ કરીને જીવને દુભાવ્યો છે. શુભ-અશુભ પરિણામ વડે આત્માની શાંતિને એણે દઝાડી છે અને મિથ્યાત્વ અને કષાય પરિણતિ વડે જગતમાં ભટક્યો છે. એકલા કામ, ક્રોધાદિ વિકાર પરિણતિરૂપ થયો થકો, જગતનો કર્તા થઈ જગતમાં ભટક્યો છે.
અજ્ઞાની જીવજગતનો કર્તા થાય છે એમ કેવી રીતે કહ્યું ?—કે અજ્ઞાની જીવ પુણ્ય-પાપના અશુદ્ધ-મલિન પરિણામ કરીને કર્મ બાંધે છે અને તેના ફળમાં ત્રસ-સ્થાવર આદિ શરીરોને ધારણ કરે છે તેથી વ્યવહારથી તે જીવને આ શરીરોરૂપ જગતનો કર્તા કહેવામાં આવે છે.
અશુદ્ધરૂપે પરિણત થયેલો જે આત્મા વ્યવહારથી જગતનો કર્તા કહેવાય છે તે જ આત્મા શુદ્ધપણે પરિણત થતાં શુદ્ધ કહેવાય છે કે જેમાં પુણ્ય-પાપની તો ગંધ પણ નથી, તેમાં તો અતીન્દ્રિય આનંદની સુવાસ ભરેલી છે. અતીન્દ્રિય આનંદની સુવાસથી ભરેલા આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતારૂપે પરિણમતા થકા જ્ઞાની વિકાર પરિણામને હરે છે. કર્તા-હર્તા શબ્દનો અર્થ લઈએ તો આ અર્થ છે કે ધર્મીજીવ સ્વરૂપની શ્રદ્ધા-જ્ઞાન પરિણતિનો કર્તા છે અને વિકાર પરિણામનો હર્તા છે અને અજ્ઞાની પોતાના અતીન્દ્રિય આનંદનો પ્રેમ છોડી પુણ્ય-પાપના મલિન પરિણામનો કર્તા થાય છે તેથી તેને જગતનો કર્તા કહેવાય છે.
/ કોઇ ઇશ્વર જગતનો કર્તા નથી. દરેક જીવ પોતપોતાની સૃષ્ટિનો કર્તા છે. પોતાના