________________
૧૪૪ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
જે અશુદ્ધ નિશ્ચયનયે આવા ભોગાદિના ભાવો અને શરીરરૂપ જગતને કરે છે તે જ જીવ શુદ્ધ નિશ્ચયનયે પોતે પરમાત્મા છે. પણ એવા સ્વરૂપને નહિ ઓળખતો અજ્ઞાની જગત પાસે ભીખ માંગી રહ્યો છે. આનંદઘનજી કહે છે ‘ભટકંત દ્વાર-દ્વાર લોકનકે, કુકર આશા ધારી'....ક્યાંય મને સુખ મળે ?..... ચાંય સુખ મળે એવી આશાએ કૂતરાની જેમ દ્વાર-દ્વાર ભટકે છે પણ સુખસ્વરૂપ ચૈતન્ય તરફ નજર કરતો નથી.
પોતાના ભગવાનમાં ભરપૂર આનંદનો ખોરાક ભર્યો છે પણ પોતાની સાથે વિરોધ કરીને પુણ્ય-પાપના વિકારમાં સુખ માનીને બહારના વિષયોમાંથી થોડું કરીને પૂરું સુખ મેળવવા માગે છે. થોડું પૈસામાંથી, થોડું આમાંથી, થોડું ખાવામાંથી, થોડું કપડામાંથી, થોડું નાવા-ધોવામાંથી એમ બધેથી ભેગું કરીને પૂરું સુખ મળશે એમ માને છે. ભિખારીને ભરોસો નથી હોતો કે કોઇ મને આખી રોટલી આપશે કે નહિ એટલે બટકું રોટલીની ભીખ માગે છે. તેમ આ પણ બધા વિષયોને ભેગાં કરીને પૂરું સુખ મેળવવા માગે છે. પણ અરે, અતીન્દ્રિય આનંદનો નાથ તું પોતે જ છો તેને ચાટવા ન જતાં ભોગની વાસનામાં લીન થઈને કર્મો બાંધે છે અને તેના ફળમાં ફરી ફરી અનેક શરીરો અને લિંગો ધારણ કરીને હેરાન હેરાન થઈ રહ્યો છે.
વસ્તુ મુક્ત સ્વરૂપ છે તો તેને બંધ સાથે સંબંધ કેમ થાય છે?—કે મુક્ત સ્વરૂપ વસ્તુ છે એવો તેને સ્વીકાર નથી, તેથી વસ્તુને જે બંધ સાથે સંબંધ છે તે અજ્ઞાનીના અજ્ઞાનનું માહાત્મ્ય છે. શેય—જ્ઞાયક સંબંધ પણ પર્યાય સાથે છે, દ્રવ્યને—ધ્રુવને તો શેય–જ્ઞાયક સંબંધ પણ નથી.
—પૂજ્ય ગુરુદેવશ્રી