________________
પ્રવચન-૨૬ ]
[ ૧૪૩
પરની એકતા કરીને શરીરોની રચના કરી રહ્યો છે. માટે મુનિરાજ કહે છે કે તું જ તારા શરીરરૂપી જગતનો રચનાર છો બીજો કોઇ ઇશ્વર જગતકર્તા નથી.
ભગવાન આત્માએ તો અંતર સ્વભાવનું ધ્યાન કરી સ્વભાવની રચના કરવી જોઈએ તેને બદલે ઊંધો પડેલો આત્મા પોતાને ભૂલીને, સ્વભાવનો આદર છોડીને પુણ્ય-પાપની વાસનાના વિકલ્પનો આદર કરીને કર્મો બાંધી રહ્યો છે અને તેના કારણે નવા નવા શરીરરૂપ જગતની રચના થઈ રહી છે. જગતમાં જેમ અનંત રજકણ અને અનંત આત્માઓ રહેલા છે તેમ આ શરીરરૂપી જગત પણ અનંત રજકણનું પિંડ જ છે ને! તેમાં અજ્ઞાની જીવ રહ્યો છે. માટે વ્યવહારથી અજ્ઞાની જીવને જગતનો કર્તા કહ્યો છે.
ખરેખર તો ઊંધા ભાવ મિથ્યાભાવ—રાગ-દ્વેષ-મોહના ભાવ એ જ જગત છે તેને અજ્ઞાની જીવે રચ્યું છે અને તેના કારણે આઠકર્મ બંધાય છે અને તેના નિમિત્તે શરીર બને છે માટે પરંપરાએ અજ્ઞાની જીવને જ જગતનો કર્તા કહ્યો છે. ભગવાન આત્માના સ્વભાવમાં એવો કોઇ ગુણ નથી કે તે કર્મ અને શરીરને ઉત્પન્ન કરે. પણ પોતાને સ્વભાવની મહિમા ન આવી તેથી અન્ય પરભાવોમાં મહિમા વહેંચાઈ ગઈ તેના કારણે કર્મો અને શરીરનું બંધન થયું.
નિર્વિકાર સ્વભાવની મહિમા ન આવી અને વિકારની મહિમામાં વેદ-વાસનામાંભોગનાં પ્રેમમાં કર્મો બંધાણા તેનાથી આ સ્ત્રી, પુરુષ અને નપુંસકના શરીરો મળ્યાં માટે શરીરનો અને વેદનો રચનાર આત્મા જ છે એમ કહ્યું છે.
આઠ કર્મનું કારણ પામીને જીવ અનેક પ્રકારના જગતને ઉત્પન્ન કરે છે. જગત એટલે ત્રસ અને સ્થાવરના શરીર અને તેમાં સ્ત્રી, પુરુષ અને નપુંસકના લિંગ એ જગત છે. સ્વભાવને ભૂલેલો જીવ પોતે જ ત્રસ, સ્થાવરરૂપ શરીરની રચનાનું કારણ બને છે. ભગવાન આત્માને ભૂલીને ભ્રમણાના ભાવથી આવા શરીરોને જીવ રચે છે.
પરમાત્માના મૂળ સ્વરૂપમાં આ સ્ત્રી, પુરુષાદિની ભોગની વાસના નથી. આવા મૂળ સ્વરૂપને ભૂલીને ભોગની વાસનાના વિકલ્પના મોહથી જીવે કર્મો બાંધ્યા અને તેના ફળમાં આ સ્ત્રી, પુરુષાદિના અનેક પ્રકારના શરીર ધારણ કર્યા છે.
નિગોદમાં એકેન્દ્રિય જીવને અને નારકી જીવને નપુંસક લિંગ હોય છે અને દેવ, મનુષ્ય, તિર્યંચગતિમાં સ્ત્રી, પુરુષના લિંગ હોય છે. ભગવાન આત્મામાં તો આવા લિંગો કે લિંગના કારણરૂપ ભાવો પણ નથી. છતાં એવા અવિકારી સ્વભાવને નહિ સેવતાં, વિકારી ભાવોને સેવીને જીવે કર્મ બાંધ્યા અને તેના ફળમાં એવા લિંગ સહિતના શરીરની રચના કરી છે.
ગાથા દીઠ ભિન્ન-ભિન્ન વાત આવે છે.