________________
૧૩૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
રાગમાં જ સુખ છે એમ માનીને મૂઢે આનંદસ્વરૂપ આત્મા દૃષ્ટિમાંથી છોડી દીધો છે.
જેને આત્મામાં જ આનંદ અને સુખ છે એવી દૃષ્ટિ થઈ છે તેને શરીર અને રાગાદિમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે. અરે, ભોગના કાળમાં પણ તેને ભોગમાં સુખબુદ્ધિ નથી પણ આત્મામાં સુખબુદ્ધિ છે.
નિશ્ચયદૃષ્ટિથી જોઈએ તો એટલે સત્......સત્......સત્ સ્વભાવની દૃષ્ટિએ જોઈએ તો આત્માનું સ્વરૂપ શરીર, કર્મ અને વિકારથી રહિત છે. વર્તમાનમાં પણ આત્મા શરીરાદિથી રહિત છે હો, પ્રશ્ન થાય કે આ શરીર દેખાય છે ને ! ભાઈ, શરીર શરીરમાં છે અને આત્મા આત્મામાં છે. અરે, પણ આ આવો આજ્ઞાકારી પુત્ર છે તે તો મારો ખરો કે નહિ ? ના, એ તો કોલસાની ખાણ છે, તેમાંથી ચૈતન્યહીરા નહિ મળે, આ તરફ હીરાની ખાણ છે તેનો આદર કરીને લૂંટાય એટલા હીરા લૂંટી લે.
ચૈતન્યહીરાની ખાણના બારણા ખોલ-ચૈતન્ય ઉપર દૃષ્ટિ આપ એટલે ચૈતન્યહીરાની ખાણમાંથી હીરા નીકળ્યાં જ કરશે. પણ એક શરત છે કે આ બાજુના કોલસાની ખાણના બારણા બંધ કરવા પડશે. પુણ્ય-પાપનું બંધન અને તેનું ફળ તારી દૃષ્ટિમાં હેય થઈ જશે તો જ ચૈતન્ય ઉપાદેય થશે.
મૂઢ જીવો કેવા છે ? કે નિશ્ચય-વ્યવહારરત્નત્રયની ભાવનાથી વિમુખ છે. નિશ્ચયરત્નત્રય એટલે શુદ્ધ ચૈતન્યમૂર્તિ નિજ આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા અને વ્યવહારત્નત્રય એટલે સાચા દેવ-શાસ્ર-ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ તે બંનેથી જે રહિત છે એવા મૂઢ અજ્ઞાની જીવો પોતાને શરીરરૂપ જ માને છે.
શરીરે સુખી તે સુખી, ધનવાન હોય તે સુખી, નિરોગી હોય તે સુખી એમ પ્રગટપણે અજ્ઞાની પોતાને શરીરરૂપ માને છે. બહારની સગવડતાથી હું સુખી અને બહારની પ્રતિકૂળતાથી હું દુઃખી એમ પ્રગટપણે તેમાં અહમ્બુદ્ધિ કરે છે. જ્ઞાની બહારની અનુકૂળતા-પ્રતિકૂળતા અને શરીરાદિથી રહિત પોતાને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માને છે. આવા શુદ્ધ આત્માને હે શિષ્ય ! પરમાત્મા જાણ. તે સિવાય પરમાત્મા કોઈ બીજો છે એમ નથી.
ઓહો ! અદ્ભુત વાત કરી છે ને ! રાગાદિના પ્રેમીલાને પ્રભુનો ભાવ હેય વર્તે છે અને પ્રભુભાવના પ્રેમીને રાગાદિનો પ્રેમ દૂર વર્તે છે. આ તો સાદી-સીધી ગુજરાતી ભાષામાં સમજાય તેવી વાત છે. માટે એમ ન માનવું કે અમે અભણ છીએ, એમ ન માનવું કે સ્ત્રી છીએ, એમ ન માનવું કે અમે દીન, હીન અને વીર્યહીન છીએ. આવો ભાવ આવે એ ભાવ જ પરમાત્માનો વૈરી છે. અમે નબળા ને અમે અબળા, અભણ એ માન્યતા જ તારા પરમાત્માની દુશ્મન છે. અરે, પશુને પણ ભગવાન આત્માનું ભાન થઈ જાય છે ને ! એ ક્યાં ભણવા ગયા હતા?