________________
પ્રવચન-ર૪ )
/ ૧૩૧
આ તો એક ઘા ને બે કટકા છે. વીતરાગે કહેલો મારગ છે. વિકલ્પથી માંડીને આખી દુનિયાનો જેને પ્રેમ છે તેને પોતાનો આત્મા હેય છે. અને આત્મા ઉપાદેય છે તેને વિકલ્પથી માંડીને આખું જગત હેયપણે વર્તે છે.
દેહાત્મબુદ્ધિ જીવો એટલે જેને દેહની સગવડતા, સંયોગની સગવડતા અને રાગમાં જ જેના જ્ઞાનનો થાપ પડ્યો છે એટલે કે આ જ હું છું એવી રુચિ પડી છે તેવા જીવો પોતાના સ્વરૂપને ખરેખર જાણતાં નથી અર્થાત્ તે નિજસ્વરૂપને ઉપાદેય માનતા નથી.
આ હેય-ઉપાદેયનો સંબંધ મૂક્યો છે તે ગજબ વાત છે!
અરે, આઠ વર્ષની બાલિકા હો-જાણપણું બહુ થોડું હોય પણ અંતરમાં દ્રવ્યસ્વરૂપનો ઉપાદેયભાવ થઈ ગયો છે તેની વર્તમાન દૃષ્ટિમાં વિકલ્પથી માંડીને બધી ચીજ હેય વ છે. એ બાલિકા કદાચિત્ લગન કરે તો પણ તેને આત્મા સિવાય કાંઈ ઉપાદેય લાગતું નથી. શુભાશુભ વિકલ્પો તેને હેય છે અને કોઈ જીવ બાહ્યથી ત્યાગી થઈને ફરતો હોય અને ત્યાગના વિકલ્પમાં જ ઉપાદેયબુદ્ધિ પડી હોય–ત્યાગના વિકલ્પ જેટલો જ હું એવી એકત્વબુદ્ધિ પડી હોય એવા ત્યાગીને આખો ભગવાન આત્મા દૃષ્ટિ, જ્ઞાનમાં હેય વર્તે છે.
જે સંસારથી પરાભુખ છે તેને જ આત્મા ઉપાદેય છે. જેને અંતરદષ્ટિ અને જ્ઞાનમાં આત્મા ઉપાદેય છે તેને આખો સંસાર હેય છે અને દેહાત્મબુદ્ધિ વિષયાસક્ત જીવન પરના માહાલ્ય આડે આખો ભગવાન આત્મા ભુલાઈ ગયો છે એટલે હેય વર્તે છે. અહીં વિષયાસક્ત એટલે ૯૬૦૦૦ રાણીના વૃંદ હોય અને તેને ભોગવતો હોય તેને જ વિષયાસક્ત કહેવાય એમ નથી પણ જેને નાનામાં નાના રાગમાં પણ રુચિ છે, થોડા સંયોગમાં પણ પ્રેમ છે એવા વિષયાસક્ત દેહાત્મબુદ્ધિ જીવને ભગવાન આત્મા હેય છે. તેને સ્વસમ્મુખતાનું માહાસ્ય આવતું નથી.
શુદ્ધ આનંદકંદ ભગવાન આત્માની જેને રુચિ નથી તેનું લક્ષણ શું? કે જેને સ્વવિષય નહિ રુચતા પર વિષયોની જ રુચિ છે, જેના જ્ઞાનનું લક્ષ પર વિષય ઉપર છે એવા વિષયાસક્ત જીવને આત્મા-પરમાત્માની રુચિ નથી.
ભગવાન ! તારા મારગ કોઈ અલૌકિક છે પ્રભુ! તે કોઈ બહારથી મારગ મળી જાય તેમ નથી. ૩૫ ગાથા પૂરી થઈ, ૩૬ ગાથા શરૂ થાય છે. આ તો અમૃત ઘોળાય છે. બાકી તો બધે ઝેર ઘોળાય છે. આ તો પરમાત્મપ્રકાશની વાતો છે. પરમાત્મા પ્રકાશમાં આવ્યો, અંતરાત્મબુદ્ધિ પ્રગટી ત્યાં બહિરાત્મબુદ્ધિ હેય થઈ ગઈ.
બહિરાત્મબુદ્ધિવંત જીવના જ્ઞાનમાં ઊંડે ઊંડે પણ મને આમ હોય તો ઠીક, આ વાંચું. તો ઠીક, આ સાંભળું તો મને ઠીક એવી બુદ્ધિ પડી છે તેને આત્મા હેય વર્તે છે. આ તો બધી બે ને બે ચાર જેવી વાત છે.