________________
180 ]
[ પરમાત્મા પ્રવચનો લીનતા થતાં આનંદ સહિત અનુભવ થાય છે તેને આત્મા અથવા પરમાત્મા કહે છે. ધ્રુવ ચૈતન્ય-રત્નની દૃષ્ટિ થતાં વિકલ્પથી માંડીને આખી દુનિયાની ઉપેક્ષા થઈ જાય છે.
જુઓ ને ! નાના નાના રાજકુમારો પણ આખા રાજ્યની અને વૈભવોની ઉપેક્ષા કરીને કેવા દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય છે! માતા ! મને આ મારી સન્મુખ જવાનો સમય મળ્યો છે તેમાં આ સંયોગો વિનરૂપ છે. માતા ! મારે ફરી બીજી મા ન કરવી પડે. મારા જન્મ-મરણનો અભાવ થાય એવી દશાની સાધના માટે હું નિવૃત્તિ લઉં છું. માટે માતા ! મને રજા આપ. તારે પણ સુખ જોઈતું હોય તો આ રસ્તો લેવો પડશે.
શાસ્ત્રમાં તો ત્યાં સુધી આવે છે કે માતા પુત્રને જવાબ આપે છે : જા ભાઈ ! જે રસ્તે તને નિર્ભયતા પ્રાપ્ત થાય તે રસ્તે જા અને અમે પણ એ રસ્તે આવવાના કામી છીએ.
આવા યોગીઓને સ્વરૂપમાં એકાગ્રતા કરતાં પુણ્ય-પાપની એકાગ્રતા છૂટી જાય છે અને આનંદની ધારા વહે છે અપૂર્વ આનંદ પ્રાપ્ત થાય છે. આત્મા પોકાર કરે છે કે જો ! આવો હું આનંદમય છું. વર્તમાન પર્યાયમાં આત્માની સન્મુખતા થતાં પરથી વિમુખતા થઈને આનંદ પ્રગટ થાય છે અને આ હું આત્મા જ પરમાત્મા છું એમ અનુભવ થાય છે.
યોગી એટલે શું? કે સ્વરૂપમાં એકાગ્ર થનાર યોગીશ્વર. ભલે તે ચોથા ગુણસ્થાનમાં હો, પાંચમામાં હો કે છઠ્ઠામાં હો કે જેણે ભગવાન આત્માના પૂર્ણાનંદમાં દૃષ્ટિનો યોગ જોડ્યો છે એવા ધર્માત્મા તે યોગી છે. તેને એક આત્મા જ આદરણીય છે.
અહો એક એક સમય જેનો સ્વરૂપની રુચિ, જ્ઞાન અને રમણતામાં લાગ્યો છે, સંસારથી પરાભુખ છે એટલે શુભ અશુભભાવ, પરની સન્મુખતા અને પરવસ્તુથી જે પરાભુખ છે એવા મુનિરાજને એક આત્મા જ ઉપાદેય છે. તેણે જ આત્માને પકડ્યો
છે–આત્મા જાણ્યો છે અને આત્માને આદરણીય બનાવ્યો છે. આવા મુનિરાજ-યોગીશ્વરને | વિકલ્પથી માંડીને આખો સંસાર હેયપણે વર્તે છે.
જેને અંતરમાં આત્મા ઉપાદેય નથી તેને પુણ્ય-પાપના વિકલ્પ અને પરપદાર્થ ઉપાદેય છે અને ભગવાન આત્મા હેય વર્તે છે અને જેણે પૂર્ણાનંદસ્વરૂપ આત્માને દૃષ્ટિ અને જ્ઞાનમાં આદર્યો છે તેને આત્મા જ ઉપાદેય છે એમ અનુભવથી જણાયું છે અને વિકલ્પથી માંડીને આખો સંસાર હેય છે એમ યથાર્થ જ્ઞાન થયું છે. આ સ્પષ્ટ વાત છે તેમાં કયાંય ગરબડ નથી.
જે દેહાત્મબુદ્ધિ જીવ છે, વિષયાસક્ત છે, જેને રાગની રુચિ છે, શરીરનો પ્રેમ છે, કર્મ ઓદિ બાહ્યસામગ્રીમાં પ્રેમ છે, વિકલ્પમાં જેને “આ હું’ એમ કરીને આનંદ ભાસે છે. એવા દેહાત્મબુદ્ધિ વિષયાસક્ત જીવોને પરમાત્મા હેય છે..