________________
હેય-ઉપાદેયનું વાસ્તવિક સ્વરૂપ
(સળંગ પ્રવચન નં. ૨૪)
यः समभावप्रतिष्ठितानां योगिनां कश्चित् स्फुरति । परमानन्दं जनयन् स्फुटं स परमात्मा भवति ॥ ३५॥
कर्मनिबद्धोऽपि योगिन् देहे वसन्नपि य एव ।
भवति न सकलः कदापि स्फुटं मन्यस्व परमात्मानं तमेव || ३६ ||
શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. તેની આ ૩૫મી ગાથા ચાલે છે.
આ આત્મા શુદ્ધ પરમાત્મસ્વરૂપ છે. અરિહંત અને સિદ્ધ જેવા પર્યાયમાં પરમાત્મા થયા છે તેવા જ દરેક આત્મા શક્તિરૂપે પરમાત્મા છે.
જુઓ, મુનિરાજ શું કહે છે કે આત્માને આત્મા કામમાં ક્યારે આવે ? જ્યારે પરમાનંદસ્વરૂપ વસ્તુની દૃષ્ટિ, તેનું જ્ઞાન અને તેમાં રમણતારૂપ ચારિત્ર પ્રગટ થાય એટલે કે અભેદ નિર્વિકલ્પ સ્વાનુભવ થાય ત્યારે પરમાનંદની સ્ફુરણા દ્વારા આત્મા પ્રગટ થાય છે. શરીર, વાણી, કર્મ, પુણ્ય-પાપના વિકલ્પ આદિથી દૃષ્ટિને સંકેલી—તેના ઉપરથી લક્ષ હટાવી ચૈતન્યસ્વભાવ ઉપર લક્ષ કરતાં જેમાં જ્ઞાન, આનંદની ખાણ ભરી છે એવો પરમાનંદસ્વરૂપ આત્મા પ્રગટ થાય છે.
જેનું લક્ષ શરીર, વાણી, મન, કર્મ અને પુણ્ય-પાપભાવ ઉપર જ છે એટલે કે તેમાં જ એકત્વ છે તેને સંસાર અથવા વિકારની પ્રાપ્તિ થાય છે. તેને આત્માનો આનંદ મળતો નથી અને જે શુદ્ધ ચૈતન્ય આત્માની સન્મુખ છે અને પર વિભાવથી વિમુખ છે તેને આત્મા જેવો છે તેવો પ્રગટ થાય છે ત્યારે આત્માને આત્મા કામમાં આવ્યો કહેવાય.
બહુ સાદી અને ટૂંકી ભાષામાં માલ ભર્યો છે. એકલો પકવાન પીરસ્યો છે. શ્રોતા :—નીરોગી હોય તેને પાચન થાય ને !
આત્મા ત્રણેકાળ નીરોગી જ છે. તેને પાચન થાય એવી જ આ
પૂજ્ય ગુરુદેવ ઃ વાત છે. ફક્ત દૃષ્ટિ ફેરે દૌલત નજરમાં આવે તેમ છે.
જેની દૃષ્ટિ કર્મ, શરીર અને પુણ્ય-પાપ સન્મુખ છે તેને સંસારનું પરિભ્રમણ પ્રાપ્ત થાય છે અને જેને વસ્તુના નિશ્ચયસ્વભાવ ઉપર દૃષ્ટિ છે તે વ્યવહારથી પરાન્મુખ છે અને સ્વભાવ સન્મુખ છે તેને મુક્તિની પ્રાપ્તિ થાય છે.
શરીર, કર્મ કે શુભ અશુભભાવ મારી શાંતિના કાર્ય માટે બિલકુલ મદદગાર નથી.