________________
૧૨૬ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો શુદ્ધ એટલે કે આનંદસ્વરૂપ છે, શુદ્ધ એટલે જેમાં દુઃખ નથી, શુદ્ધ એટલે જેમાં અપૂર્ણતા નથી પૂર્ણ પવિત્ર જ્ઞાનાનંદ ધામ છે છતાં પુણ્ય-પાપમાં જેને મારાપણું છે તે આત્મારામની રમતને લૂંટી નાંખે છે.
આ વ્યવહાર મારો છે, પુણ્ય કરતાં કરતાં મને ધર્મ થશે એમ જેને વ્યવહારનો આદર વર્તે છે તેને ભગવાન શુદ્ધાત્માનો અનાદર વર્તે છે. તેને અહીં કહે છે પ્રભુ ! રાગ તો ઝેર છે. એ રાગના પ્રેમમાં તારો પ્રભુ લૂંટાય જાય છે.
કેટલાક લોકો એવા હોય છે ને કે ભર્યા ભાણાં મૂકીને એઠાં ચાટવા જાય છે-ઘરે સુંદર સ્ત્રી મૂકીને વાઘરણ પાસે જાય છે, તેને કાંઈ ભાન નથી. તેમ અહીં પરમાત્મા પોકાર કરે છે કે, હે આત્મા ! તારામાં અતીન્દ્રિય આનંદ અને શાંતિ ભર્યા પડ્યા છે તેને મૂકીને તું પુણ્ય-પાપની એંઠ ચાટવા જાય છે! જે તારામાં નથી તેને તારું માનવું એ એઠું ચાટવા બરાબર છે. તેમાં તને વિકારનો દુઃખરૂપ અનુભવ થશે પણ આત્માનો આનંદ નહિ આવે.
જે પોતાના શુદ્ધસ્વરૂપમાં જોડાણ કરે છે તે યોગી છે અને જે પુણ્ય, પાપ, શરીરાદિમાં જોડાણ કરે છે તે ભોગી છે. જે આત્મામાં એકાગ્ર થાય તેને પરમ આનંદ આપતો ચૈતન્ય સ્કુરાયમાન થાય છે. પરમ આનંદ લેતો શુદ્ધાત્મા પ્રગટે છે તે હું છું.
પરમાત્મા કહે છે તારો પરમાત્મા તારી પાસે છે તેની સામુ જો તો તને પર્યાયમાં પરમાત્મા ફૂરાયમાન થશે.
શરીરનું જીવન હો કે મરણ હો તે બંનેમાં જ્ઞાનીને સમભાવ વર્તે છે. વિષમભાવ કરવાથી કાંઈ જીવન વધી જતું નથી એમ જ્ઞાની જાણે છે. લાભ-અલાભમાં પણ જ્ઞાનીને સમભાવ વર્તે છે. બહારની ચીજ આવે કે જાય તેથી તેમને કાંઈ લાભ-અલાભ નથી.
સુખ-દુ:ખમાં પણ જ્ઞાનીને સમભાવ વર્તે છે. અજ્ઞાનીને બહારની ચીજની અનુકૂળતામાં સુખની અને પ્રતિકૂળતામાં દુઃખની કલ્પના થાય છે. ખરેખર બહારની ચીજ કોઈ અનુકૂળ પણ નથી અને પ્રતિકૂળ પણ નથી તેથી જ્ઞાનીને તેમાં સુખ-દુઃખની કલ્પના થતી નથી.
શત્રુ-મિત્ર પ્રત્યે પણ જ્ઞાનીને સમભાવ છે. જ્ઞાનીને કોઈ શત્રુ કે મિત્ર જ હોતા નથી પણ જગતની દૃષ્ટિએ જે અનુકૂળ હોય તે મિત્ર અને પ્રતિકૂળ હોય તે શત્રુ ગણાય છે તેના પ્રત્યે જ્ઞાનીને સમભાવ હોય છે.
કેટલાકને માંડ બધી અનુકૂળતા આવી હોય, છોકરાં મોટા થયાં હોય-પૈસો થયો હોય અને ભોગવવાનું ટાણું આવ્યું ત્યાં મરણ આવે તો આકરું લાગે ભાઈ ! આ તારે સુખના ટાણાં નહિ, ઝેરના ટાણાં હતાં. બીજાને અનુકૂળતા હોય અને પોતાને જરા પ્રતિકૂળતા આવે ત્યાં એમ થઈ જાય કે મારે આમ કેમ? ભાઈ ! બહારની અનુકૂળતા-પ્રતિકૂળતા સાથે તારે શું સંબંધ છે? શરીરનું લાંબુ આયુષ્ય હો કે જલ્દી મરણ થઈ જાય તેનાથી આત્માને