________________
૧૨૪ /
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
ખાય તેમ નથી. ભગવાન કહે છે કે, દરેક આત્મા શુદ્ધ સત્ ચિદાનંદઘન છે તે દેહમાં રહેલો હોવા છતાં વસ્તુએ તદ્દન ભિન્ન છે છતાં અજ્ઞાની ભ્રમથી દેહ, કર્મ અને વિકારને પોતાના માને છે એ તેનો મિથ્યાભ્રમ છે.
હવે આમાં કરવું શું?—કે તારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સામે નજર કર અને વિકાર, કર્મ આદિ ઉપરથી દૃષ્ટિ છોડ. આ કરવા જેવું છે. ભાઈ ! તું પ્રભુ છો ને ? વિકાર તો દોષ, પામર, અચેતન છે. ભગવાન જ્ઞાયકજ્યોત સ્વરૂપ ચિદાનંદને આ અચેતનભાવો સ્પર્શી શકતાં નથી. તેનો અર્થ એ થયો કે પુણ્ય-ભાવ વડે ચૈતન્યનો અનુભવ થઈ શકતો નથી. દયા, દાનાદિના શુભ પરિણામ તો રાગ-વિકાર છે તેને ચૈતન્ય અડતો નથી તો જે ચૈતન્યથી ભિન્ન છે એવા શુભભાવ વડે ચૈતન્યનો અનુભવ કેવી રીતે થાય?
લોકોને આ સાંભળીને રાડ પડી જાય છે અરે, આ સોનગઢવાળા શું કહે છે! ભાઈ, અમને નહિ તું ભગવાનને જઈને કહે ને ! અમે તો ભગવાને કહેલું છે તે કહીએ છીએ.
દિવાળીના દિવસોમાં લોકો એકબીજાના નામ મેળવે છે ને કે કોની પાસે કેટલી લેણ-દેણ છે તે ખબર પડે, તો અહીં કહે છે કે ભગવાન સાથે તારું નામું મેળવ. પણ એને આ નામા મેળવતાં આવડતાં નથી.
એ આત્માને તું આત્મા જાણ કે જે પોતાની નિર્મળ અનુભૂતિ વડે પ્રાપ્ત થાય છે અને નિર્મળ અનુભૂતિથી વિપરીત વિકાર વડે પ્રાપ્ત કર્મ અને શરીર વડે જે પ્રાપ્ત થતો નથી. આવો જે આત્મા તેને અંતરમાં તું આત્મા જાણ. તારા જ્ઞાન અને શ્રદ્ધામાં નક્કી કર કે હું આવો શુદ્ધ આત્મા છું.
આ એક એક ગાથામાં બધું આવી જાય છે. શુદ્ધ-આત્મા દેહ, વાણી, મન, કર્મ, વિકાર આદિ બધાંથી રહિત છે ત્યાં દીકરા-વહુ મારા એ વાત ક્યાં રહી?
શ્રોતા એ બધાં યાદ તો આવે ને !
પૂજ્ય ગુરુદેવશ્રી:–યાદ આવે એટલે શું? તેનું જ્ઞાન અને રાગ આવે તારા ઘરમાં, એ દીકરા-વહુ ન આવી જાય. જાણનાર ભગવાન આત્મા જાણે તો બધાંને. પણ તેમાં આ મારા અને આ મારા નહિ એવા બે ભેદ કયાંથી લાવ્યો? મૂઢતાને લઈને એવી ભ્રમણા તે ઊભી કરી છે.
ટીકાકારે તો એવી વાત લીધી છે કે પુણ્ય-પાપની ક્રિયા, દેહ, વાણી, મનને જે મારા માને છે તેને પોતાનો ભગવાન આત્મા હેય વર્તે છે; જે ખરેખર હેય ચીજ છે, એવા દેહ, વિકારાદિને ઉપાદેય માને છે તેને ઉપાદેય એવો શુદ્ધાત્મા હેય થઈ જાય છે. તેણે શ્રદ્ધામાંથી આત્માને છોડી દીધો છે.
અજ્ઞાની જીવને પુણ્ય-પાપ વિકાર આદિ ઉપાદેય વર્તે છે અને શુદ્ધ આત્મા હેય