________________
- નિજ-શુદ્ધાત્મા એક જ ઉપાદેય જાણ
(સળંગ પ્રવચન નં. ૨૩) देहे वसन्नपि नैव स्पृशति नियमेन देहमपि य एव ।
देहेन स्पृश्यते योऽपि नैव मन्यस्व परमात्मानं तमेव ॥३४॥ શ્રી પરમાત્મપ્રકાશ ગ્રંથની ૩૪મી ગાથા શરૂ થાય છે.
આ આત્મા દેહમાં રહ્યો હોવા છતાં નિશ્ચયનયથી તે દેહને સ્પર્યો નથી. આત્મા શુદ્ધ જ્ઞાનાનંદમૂર્તિ છે. તે શરીરને કર્મને કે વિકારને સ્પર્શતો નથી અને દેહથી પણ આત્મા સ્પર્શી શકાતો નથી.
ભગવાન જ્ઞાનાનંદ-ચિદાનંદસ્વરૂપ મૂર્તિ તે આત્મા છે. એ આત્મા દેહમાં રહ્યો હોવા છતાં દેહને સ્પર્શતો નથી. દેહ શબ્દ પુણ્ય-પાપ કર્મ, રાગાદિ વિકારને પણ આત્મા સ્પર્શતો જ નથી અને દેહ, પુણ્ય-પાપ કર્મ, રાગાદિભાવ વગેરેથી તે સ્પર્શતો નથી એટલે કે તેના વડે આત્મા અનુભવમાં આવતો નથી. ગુરુ શિષ્યને કહે છે કે હે શિષ્ય! આવા દેહના સ્પર્શ રહિત આત્માને તું આત્મા જાણ !
બે ભાગ પાડ્યા છે. એકકોર રામ અને બીજી બાજુ ગામ. એક તરફ શુદ્ધ જ્ઞાનાનંદમૂર્તિ આતમરામ અને બીજી તરફ શરીર, વાણી, મન, કર્મ, વિકાર આદિ બધું ગામ. તેની સાથે આત્માને કાંઈ લાગતું-વળગતું નથી એટલે કોઈ સંબંધ નથી.
અનંત અનંત શુદ્ધ જ્ઞાનસ્વરૂપ-ભગવાન આત્માની અનુભૂતિ કેવી રીતે થાય? કે પય-પાપ રાગરહિત દેષ્ટિ, જ્ઞાન અને શાંતિરૂપ જે સ્થિરતા તેના વડે આત્મા અનુભવમાં આવે છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર વડે આત્માનો સ્પર્શ-અનુભવ થઈ શકે છે. ભગવાને દરેક આત્માને આવા જ જોયા છે કે તે નિર્મળ અનુભૂતિ વડે જ તે જણાય એવા છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ અનંતગુણ સંપન્ન પ્રભુ જેવો સર્વશદેવને પ્રાપ્ત થયો છે એવો જ દરેકનો આત્મા ભગવાને જોયો છે અને એવો જ કહ્યો છે. આ આત્મા પોતાની અનુભૂતિ વડે જ પ્રાપ્ત થાય છે અને નિર્મળ અનુભૂતિથી વિપરીત પુણ્યપાપ-ક્રોધ-માનાદિના પરિણામથી કર્મ પ્રાપ્ત થાય છે અને કર્મથી શરીર પ્રાપ્ત થાય છે.
આ તો સાદી સીધી વાત છે. શાસ્ત્રના આકરા શબ્દો આમાં નથી. ભગવાન આત્મા વસ્તુસ્વભાવે શુદ્ધ નિર્મળ જ્ઞાનાનંદસ્વરૂપ મૂર્તિ છે. તે નિર્મળ અનુભૂતિમાં પ્રાપ્ત થાય છે, નિર્મળ અનુભૂતિ વડે કર્મ કે શરીર પ્રાપ્ત ન થાય. કર્મ અને શરીર મળવાનું કારણ તો ક્રોધ, માન, ભક્તિ, પૂજાદિ શુભ-અશુભભાવ છે.