________________
૧૨૦ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
દેહમાં આત્મા રહેલો હોવા છતાં બંનેમાં કેટલી વિરૂદ્ધતા છે. દેહ ત્રિકાળ જડ– મડદું છે અને આત્મા ત્રિકાળ ચૈતન્ય છે. દેહ અશુચિનું ધામ છે જ્યારે ભગવાન આત્મા મહાપવિત્ર શુચિતાનું ધામ છે. દેહ કોઈને જાણતું નથી અને આત્મા એક સમયમાં સર્વને જાણનારો છે. માટે આત્મા શરીર પ્રમાણ રહ્યો હોવા છતાં શરીરને સ્પર્શ કરતો નથી—એમ નિર્બંત જાણ ! જેમ શરીર અને રાગમાં નિર્ભ્રાતપણે મારાપણું માનતો હતો તે છોડીને હવે અમે કહીએ છીએ કે તું નિર્ભ્રાતપણે આવા તારા સ્વરૂપમાં એકત્વ કર. તેમાં બિલકુલ સંદેહ ન કર!
અનાદિથી અજ્ઞાનીને ભ્રાંતિવશ શરીર, રાગ અને અલ્પજ્ઞતામાં જ પોતાપણું ભાસતું હતું પણ તે તો ભ્રાંતિ હતી, તે છોડીને સ્વરૂપની દૃષ્ટિ કરે છે તેને નિર્બંતપણે એવી શ્રદ્ધા થઈ જાય છે કે હું અનાદિ-અનંત જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું. તેને શંકા નથી પડતી કે હું આવો કેવી રીતે હઈશ.
ભગવાન આત્મા દેહમાં રહે છે પણ દેહથી ભિન્ન છે એમ કહેતાં સર્વવ્યાપક નથી એ વાત પણ આમાં આવી ગઈ. ડબ્બીમાં હીરો પડ્યો હોય પણ ડબ્બી અને હીરો તદ્ન જુદી ચીજ છે. હીરો પ્રકાશસ્વરૂપ છે અને ડબ્બી તો ધાતુમય છે તે બંને એકબીજાને અડતાં નથી. તેમ ભગવાન આત્મા ચૈતન્યહીરો જડ શરીરમાં રહેલો હોવા છતાં તેનાથી તદ્ન ભિન્ન છે.
જેમ હીરો તો જડ પરમાણુનો નાનો એવો પિંડ છે, તે નથી ભૂખ લાગે તો ખાવામાં કામ આવતો કે તરસ લાગે તો પાણી આપતો નથી, રોગ થયો હોય તો ઘસીને ચોપડવાના કામમાં આવતો નથી છતાં તેની કેટલી કિંમત છે ! હજારો લાખો રૂપિયાની કિંમત હોય છે તો આ ભગવાન આત્મા તો ચૈતન્યહીરો છે તેમાં તો જ્ઞાનાદિ અનંતગુણોના અનંતપાસા પડ્યા છે, તેના એક ગુણની કિંમત-મૂલ્યાંકન થઈ શકતું નથી તો આખા ચૈતન્યદેવની કિંમત કેટલી હશે ! તે શું રાગાદિ વિકલ્પની કિંમત ચૂકવીને પ્રાપ્ત થઈ જાય એવો નિર્મૂલ્ય પદાર્થ છે ! એ તો મહાકિંમતી ચીજ છે, તેની કિંમત ચૂકવે તેને જ તે પ્રાપ્ત થાય તેવો છે.
જે પોતાની વર્તમાન પર્યાયમાં અનંત ગુણસ્વરૂપ ભગવાન આત્માને સ્પર્શે છે તે નિજભગવાનને ભેટે છે, તેને પરમાત્માના સ્પર્શમાં અતીન્દ્રિય આનંદ આવે છે. બાકી શુભરાગથી આત્માનો સ્પર્શ કદી થઈ શકતો નથી. કદાચિત્ લાંબાકાળે કોલસાના પરમાણુની પર્યાય પલટીને હીરારૂપે થાય પણ તેની જેમ રાગ પલટાઇને ધર્મ કદી ત્રણકાળમાં પણ થતો નથી.
હીરાની એક એક રતિની લાખો-કરોડો રૂપિયાની કિંમત હોય છે અને હીરાનું વજન કરવાના તોલ પણ બહુ સૂક્ષ્મ હોય છે તેમ ભગવાન આત્માની કિંમત કરનારી દૃષ્ટિ પણ બહુ સૂક્ષ્મ હોય છે.