________________
૧૧૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો શ્રોતા અમારો આ ભ્રમ હવે ક્યારે છૂટશે?
પૂજ્ય ગુરુદેવશ્રી જેણે ભ્રમ કર્યો હોય તે ભ્રમ છોડે ત્યારે છૂટે ને ! જે જોડે તે તોડે. અજ્ઞાનભાવે રાગની સાથે જોડાણ પોતે કર્યું છે તો પોતે તોડે તો તુટે એવી વાત છે. ચૈતન્યસ્વભાવમાં તો રાગ સાથે જોડાણ કરવાની કોઈ શક્તિ નથી. સ્વભાવમાં તો તેનો અભાવ કરવાની શક્તિ છે પણ અજ્ઞાનવશ રાગમાં એકત્વની સ્થિતિ તો જુઓ કે જરા બહારના સંયોગમાં ફેરફાર થાય, પગ ન ચાલે ત્યાં હવે આમાંથી છૂટીએ તો સારું! પણ ભાઈ ! તારે છૂટીને ક્યાં જવું છે? કયાંય માસીબાએ ખાટલા ઢાળી રાખ્યા છે તારા માટે ? તું તો તારા આત્મામાં જા ત્યારે તારું દુઃખ ટળે તેમ છે. બહારની સગવડતાથી તને કાંઈ લાભ નથી.
સંસાર એટલે સ્ત્રી, પુત્ર, પરિવારનો સંયોગ તે સંસાર નથી પણ અંતરમાં જે ભ્રમણા પડી છે કે શરીર મારું, રાગ મારો, હું કર્મ બાંધું છું, કર્મ મને રખડાવે છે આવી આવી જે ભ્રમણા છે તે સંસાર છે. વિકારનો ભોગવટો તે “ભોગ” છે અને અશરીરી આત્માથી ભિન્ન એવું આ શરીર તેમાં જે મિથ્યાત્વભાવે આસક્ત હતો તે આસક્તિ છોડી સ્વભાવનો આદર કરે છે તેને સંસારરૂપી વેલનો નાશ થાય છે.
| ‘અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા” પોતે પોતાને ભૂલીને દુઃખી થયો છે અને માને છે કે મને આ શરીર અને સંયોગો અનુકૂળ નથી માટે હું દુઃખી છું. પોતે ભગવાન છે છતાં મૂઢ થયો છે એટલે જ શ્રીમદ્ કહે છે ને–પ્રભુ આત્મામાં અનંતગુણ છે પણ તેમાં અપલક્ષણના પાર નથી. પોતાની મૂર્ખાઈથી મૂરખ થયો છે. જે સ્વભાવ પોતાનો છે તેમાં મારાપણું રહ્યું નહિ અને શરીર, સ્ત્રી, પુત્ર, મકાન આદિમાં મારું...મારું.કરીને દુઃખી થઈ રહ્યો છે. આવી ભ્રમણા જીવને કોઈ અન્યદ્રવ્ય કરાવતું નથી અને પોતામાં પણ ભ્રમણા થાય એવો કોઈ ગુણ નથી પણ પર્યાયમાં પોતે એવી ભ્રમણા ઊભી કરે છે.
આત્મામાં તો સત્ શાશ્વત જ્ઞાન-આનંદ શક્તિ છે તેથી તે આનંદ ઉત્પન્ન કરવામાં કારણ થાય છે પણ દુઃખ ઉત્પન્ન કરવામાં કારણ થતો નથી.
ભગવાન આત્મા જે સંસાર, શરીર અને ભોગોમાં આસક્ત ચિત્ત છે તે સંસાર આદિ વસ્તુના સ્વભાવમાં તો છે નહિ તેથી વસ્તુનો જે સ્વભાવ છે તેની દૃષ્ટિ, જ્ઞાન અને સત્કાર–આદર કરતાં, વસ્તુનો સ્વભાવ એવો છે કે આનંદનું કારણ બનીને આનંદગુણ પર્યાયમાં આપે છે.
- પરમાત્મપ્રકાશમાં બહુ માખણ ભર્યું છે. એકલો માલ જ ભર્યો છે. લાડવા બનાવીને તૈયાર રાખ્યા છે કે ખાવ એટલી જ વાર છે! પ્રભુ ! તને તારો વિશ્વાસ નહિ! અને તારામાં જે નથી તેનો વિશ્વાસ તે ઊભો કર્યો છે પણ તે વિશ્વાસ–ભ્રમ પર્યાયમાં જ છે વસ્તુમાં એ જૂઠા વિશ્વાસનો અભાવ છે.