________________
શુદ્ધાત્માને ધ્યાવતાં સંસાર-વેલનો નાશ
(સળંગ પ્રવચન નં. ૨૧)
अमनाः अनिन्द्रियो ज्ञानमयः मूर्तिविरहितश्चिन्मात्रः । आत्मा इन्द्रियविषयो नैव लक्षणमेतन्निरुक्तम् ॥३१॥
શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર ચાલે છે. તેની આ ૩૦મી ગાથા પૂરી થઈ. હવે ૩૧મી ગાથામાં યોગીન્દ્રદેવ શુદ્ધાત્માના જ્ઞાનાદિ લક્ષણોને વિશેષપણે કહે છે.
અન્વયાર્થ ઃ—આત્મા મન રહિત છે, અતીન્દ્રિય છે, જ્ઞાનમય છે, મૂર્તિ રહિત છે, ચિન્માત્ર છે અને ઇન્દ્રિયોને ગોચર નથી—આ લક્ષણ (શુદ્ધાત્માનું) નિશ્ચિતપણે કહ્યું છે. ૩૧. આ શુદ્ધાત્મા દેહમાં રહેતો હોવા છતાં દેહને અડ્યો નથી અને દેહ આત્માને અડ્યો નથી—સ્પર્શો નથી. શુદ્ધાત્માનું આ લક્ષણ નિશ્ચિતપણે કહ્યું છે કે શુદ્ધ આત્મા મન રહિત, અતીન્દ્રિય જ્ઞાનમય છે, મૂર્તિ રહિત છે, ચિન્માત્ર છે અને ઇન્દ્રિયોને ગોચર નથી.
અસ્તિત્વ, વસ્તુત્વ આદિ ગુણો તો બીજાં દ્રવ્યોમાં પણ છે. અહીં તો જે બીજાં દ્રવ્યોમાં નથી એવા વિશેષ ગુણોને શુદ્ધાત્માના લક્ષણ તરીકે બતાવ્યાં છે. જેમ આત્મા દેહના સ્પર્શ રહિત છે તેમ આત્મા મનના સ્પર્શથી પણ રહિત છે એટલે સંક્લ્પ-વિકલ્પરૂપ વિકારને પણ ખરેખર આત્મા સ્પર્શતો નથી. દ્રવ્યમન તે અજીવ છે જ પણ તેના નિમિત્તે જે વિકાર થાય છે તે ભાવમન છે તે પણ ચૈતન્યસ્વભાવથી રહિત છે.
શુદ્ધાત્મા અતીન્દ્રિય છે. ક્યારે ? અત્યારે જ આત્મા અતીન્દ્રિય છે. સમ્યગ્દર્શનમાં બીજાં પદાર્થોથી ભિન્ન, વિશેષ લક્ષણમય આત્મદ્રવ્ય અનુભવમાં આવે છે તે આત્મા છે અને તેની યથાર્થ પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે.
પરમાત્માથી ભિન્ન એવા સંકલ્પ વિકલ્પરૂપ મનથી શુદ્ધાત્મા ભિન્ન છે. આ સર્વજ્ઞભગવાને કહેલું વસ્તુનું સ્વરૂપ છે તેની ખબર વિના અનુભવ થાય તેમ નથી. આત્મવસ્તુ જ એવી છે કે પોતાના સ્વરૂપથી ભિન્ન એવી ઇન્દ્રિયો અને મનથી તે રહિત છે. અધ્યાત્મ-શૈલીમાં આવી કથનપદ્ધતિ છે કે ‘ભગવાન આત્મા' ઇન્દ્રિયોથી રહિત છે અને તે ઇન્દ્રિયો ભગવાન આત્માથી રહિત છે. (આમ પરસ્પર એકબીજાની ભિન્નતા બતાવે છે.) જેમ ડબીમાં કાટ લાગેલો છે તેમાં મણિરત્ન પડ્યું છે પણ તે મણિરત્ન કાટથી રહિત છે અને કાટ મણિરત્નથી ભિન્ન છે. પરસ્પર એકબીજાની ભિન્નતા છે—એમ કહેવાનો હેતુ છે.
સર્વ પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન આત્માની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. તેની આ વાત છે. આ તો હજુ ચોથા ગુણસ્થાનની વાત છે. પાંચમુ છઠ્ઠું તો ક્યાંય દૂર રહી