________________
અજીવલક્ષણ રાગની ચૈતન્યલક્ષણ જીવથી અત્યંત ભિન્નતા
(સળંગ પ્રવચન નં. ૨૦)
जीवाजीवौ मा एकौ कुरु लक्षणभेदेन भेदः ।
यत्परं तत्परं भणामि मन्यस्व आत्मन आत्मना अभेदः ||३०|
શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૩૦મી ગાથા ચાલે છે તેમાં મુનિરાજ કહે છે કે જીવ અને અજીવમાં લક્ષણભેદે ભેદ છે માટે હે શિષ્ય ! તું તેને એક ન માન !
હે પ્રભાકરભટ્ટ ! તું જીવ અને અજીવને એક ન કર. શિષ્યને ઉદ્દેશીને મુનિરાજ સર્વ જીવને કહે છે. આ વાત તો ઘણીવાર આવી ગઈ છે પણ અહીં બીજી રીતે કહે છે. અહીં અજીવના બે પ્રકાર લઈને વિશેષ પ્રકારે વાત કરી છે.
ભગવાન આત્મા પોતાના ચૈતન્યલક્ષણથી અનુભવમાં આવે તેવી ચીજ છે. તેમાં જે રાગ છે તે પરલક્ષી વિભાવભાવ છે તે પર છે. રાગ જીવની પર્યાયમાં જ થાય છે—જીવ તેમાં વ્યાપેલો છે માટે જીવની સાથે સંબંધવાળો ભાવ છે પણ તેનું લક્ષ પર તરફ હોવાથી રાગ વડે આત્માનો અનુભવ થઈ શકતો નથી.
ભગવાન સર્વજ્ઞપરમાત્મા તીર્થંકરદેવ ત્રિલોકીનાથે એક સમયમાં આત્માને શુદ્ધ ચિદાનંદસ્વરૂપ જોયો છે. પોતાનો આત્મા તો શુદ્ધ જોયો છે પણ દરેકના આત્માને ભગવાને એવો જ શુદ્ધ ચિદાનંદ જોયો છે. આવો આ આત્મા પોતાના અસંખ્યપ્રદેશમાં વ્યાપવાળી નિર્વિકલ્પ સમાધિ દ્વારા જ પ્રાપ્ત થાય છે. રાગ પણ જીવના પ્રદેશોમાં વ્યાપે છે પણ તે અજીવ લક્ષણ રાગ, જીવથી ભિન્ન છે. જીવના સંબંધમાં રહેવાવાળી હોવા છતાં રાગની પર્યાયને અજીવનું લક્ષણ કહ્યું છે.
જૈનમતમાં આગમ શું કહે છે? કે જે અસંખ્યાતપ્રદેશમાં જીવ રહેલો છે ત્યાં જ શરીર અને કર્મ રહેલાં છે પણ જીવને તેની સાથે અભેદસંબંધ નથી. જીવથી તે ભિન્ન છે. જીવને તો પોતાની નિર્મળ પર્યાય સાથે અભેદસંબંધ છે. રાગ પણ જીવના પ્રદેશોમાં થાય છે પણ તેની સાથે અભેદસંબંધ નથી. કોઈ અન્યમત એમ કહે કે આત્મા લોક જેવડો છે તો તેના નિષેધ માટે અહીં જૈનમતનો આગમાર્થ બતાવ્યો છે.
કર્મ અને શરીર જીવથી ભિન્ન હોવા છતાં તેની સાથે જીવને એકક્ષેત્રાવગાહ સંબંધ છે તેથી તેની સાથે અસદ્ભૂત અનુપચાર સંબંધ કહ્યો છે અને સ્ત્રી, પુત્રાદિની સાથે જીવને