________________
દેહમાં વસતાં જીવને તું પરમાત્મા જાણ
(સળંગ પ્રવચન નં.-૧૮)
यादृशो निर्मलो ज्ञानमयः सिद्धौ निवसति देवः ।
तादृशो निवसति ब्रह्मा परः देहे मा कुरु भेदम् ||२६|| येन दृष्टेन त्रुट्यन्ति लघु कर्माणि पूर्वकृतानि ।
तं पर जानासि योगिन् देहे वसन्तं न किम् ||२७||
આ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. લગભગ ૮૦૦૯૦૦ વર્ષ પહેલાં યોગીન્દ્રદેવે
આ શાસ્ત્રની રચના કરી છે. મુનિરાજને શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવ્યો અને શબ્દોની રચના થઈ ગઈ. તેમાં ૨૬મી ગાથામાં શિષ્યને ઉદ્દેશીને સર્વ આત્માઓને કહે છે કે હે પ્રભાકર ભટ્ટ ! સિદ્ધભગવાનમાં અને તારા આત્મામાં ભેદ ન કર ! તારો આત્મા સિદ્ધસ્વરૂપે અંદરમાં બિરાજમાન છે, તેની દૃષ્ટિ લગાવીને ધ્યાન કર. એ જ પરમાત્મશક્તિમાંથી પ્રગટ પરમાત્મા થવાનો ઉપાય છે.
આ જ વાત શ્રી કુંદકુંદાચાર્યે અષ્ટપાહુડમાં મોક્ષપાહુડની ૧૦૩ ગાથામાં કહી છે કે નમસ્કાર કરવા લાયક મહાપુરુષો પણ જેને નમસ્કાર કરે છે એટલે નમસ્કાર કરવાલાયક મહાપુરુષોને પણ જે નમસ્કાર કરવાયોગ્ય છે એવો તું આત્મા છો. સ્તુતિ કરવા લાયક અને ધ્યાન કરવાલાયક એવા આચાર્ય આદિ પણ જેનું ધ્યાન કરે છે એવો જ આ આત્મા છે.
આવો આ આત્મા—જીવ નામનો પદાર્થ આ દેહમાં જ વસે છે. જરાય દૂર નથી. તેને જ તું પરમાત્મા જાણ અને તેનું જ ધ્યાન કર. તીર્થંકરો જે થઈ ગયા તે પણ જ્યારે સાધુ હતાં ત્યારે આ આત્માનું જ ધ્યાન કરતાં હતાં. આત્માના ધ્યાનથી જ તીર્થંકર આદિ મહાપુરુષો થયા છે. માટે કહ્યું કે વંદન કરવાયોગ્ય પુરુષો પણ જેને વંદન કરે છે એવો તું આત્મા છો.
તત્ત્વાનુશાસનમાં એક પ્રશ્ન ઉઠાવ્યો છે પ્રભુ ! આપ આત્માના અરિહંતપદનું ધ્યાન કરવાનું કહો છો પણ આત્મામાં અરિહંતદશા તો છે નહિ તેનું ધ્યાન કેવી રીતે કરવું ? તેના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે કે ભાઈ ! આત્મદ્રવ્યમાં વર્તમાનમાં અરિહંતપર્યાય પડી છે. ભૂત, ભવિષ્યની પર્યાયો દ્રવ્યમાં જ રહે છે. અરિહંતપદ, સિદ્ધપદ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદ એ પાંચેય આત્માના જ પદ છે આત્માની જ પર્યાય છે. મુનિરાજનું શરીર કે વિકલ્પ એ મુનિપદ નથી, અંતરમાં પ્રગટેલી શુદ્ધિ તે મુનિપદ છે. એમ પાંચેય પરમેષ્ઠીપદ એ આત્માની પર્યાય છે.