________________
પ્રવચન-૧૭ ]
[ ૯૩
પ્રભુ આત્મા શરીરના રજકણેરજકણથી પાર છે અને પોતાના એક એક ગુણના અનંત સામર્થ્યથી અપાર છે. આવો ભગવાન આત્મા દેહ દેવાલયમાં બિરાજમાન છે. ‘જો સિદ્ધાલય હૈ વહ દેવાલય હૈ.' સિદ્ધભગવાન સિદ્ધાલયમાં બિરાજે છે તેમ આત્મા દેહરૂપી દેવાલયમાં બિરાજમાન છે.
અહીં દશેય ગાથા દ્વારા સિદ્ધનું સ્વરૂપ બતાવીને મૂળ તો આત્મા એવો જ છે એ સમજાવવાનું પ્રયોજન છે. સર્વ વાતે પૂરો પ્રભુ તું સિદ્ધ સમાન છો. એવા અંતઃસ્વભાવનું માહાત્મ્ય કરીને નિર્વિકલ્પ થઈ જા તો જ્યાં સિદ્ધ બિરાજે છે ત્યાં તું પણ પહોંચી જઈશ.
અનંતગુણનો રક્ષપાળ એવો ભગવાન તારા દેહરૂપી દેવાલયમાં બિરાજમાન છે. તેનું લક્ષ કર ! તને ભગવાનની પૂજા–ભક્તિનો ભાવ આવશે પણ ધ્યેય તો ભગવાન જેવાં એક નિષ્ક્રિય શુદ્ધાત્માનું જ રાખજે.
અમારે ગુજરાતી ભક્તિમાં આવે છે ઃ ‘મારો હંસલો નાનો ને દેવળ જૂનુ થયું' પણ ભાઈ ! એ દેવળમાં મારાપણું છોડ અને જો કે તું નાનો નથી. તું તો મહાન છો —મોટો છો.
સાધક થયાં પછી સિદ્ધ થવામાં અનંતકાળ લાગતો નથી. અસંખ્ય સમયની અંદર સાધક સિદ્ધ બની જાય છે. તો અનંતકાળમાં આવા અનંત સિદ્ધો થઈ ગયા તે બધાં લોકાગ્રે બિરાજમાન છે. મનથી પાર, વચનથી પાર, કાયાથી પાર લોકાતીત ભગવાન અનંત સિદ્ધો બિરાજે છે તેની યથાર્થ અંતર શ્રદ્ધા, જ્ઞાન કરવાથી પરમાત્માનો પત્તો લાગે છે બીજો કોઈ ઉપાય નથી.
હવે આગળ જેવા પ્રગટ પરમાત્મા મુક્તિમાં છે એવા શુદ્ઘનયથી શક્તિરૂપ પરમાત્મા દેહમાં છે એમ ૨૬મી ગાથા દ્વારા કહેવાય છે.
જેમ લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશ પડી છે તે લૂંટવાથી પ્રગટ થાય છે તેમ પૂર્ણાનંદ પ્રભુ શક્તિરૂપ પરમાત્મામાં એકાગ્રતા કરવાથી પ્રગટ પરમાત્મા થાય છે ઃ—પર્યાયમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય છે.
આ ૨૬મી ગાથામાં કહે છે કે કેવા છે કાર્ય પરમાત્મા? ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મથી રહિત અનંત કેવળજ્ઞાનાદિ પ્રગટ ગુણોથી સહિત છે. જેને વિકલ્પ નથી, આઠ કર્મો સાથે નિમિત્ત–સંબંધ રહ્યો નથી અને દેહાદિ સાથે અનુપચાર સંબંધ હતો તે પણ છૂટી ગયો છે અને કેવળજ્ઞાન, દર્શન આદિ અનંતગુણો પ્રગટ થયા છે એવા દેવાધિદેવ પરમ આરાધ્યદેવ મુક્તિમાં બિરાજે છે તેના જેવા જ બધાં લક્ષણો સહિત દરેક આત્મા છે. જેવા સિદ્ધ એવો જ પરમ આનંદરૂપ, શુદ્ધ પરમાત્મા બિરાજે છે, તેમાં એકાગ્રતા કર તો તેમાંથી અતીન્દ્રિયરસ ઝરશે.
*