________________
૯૦ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો પ્રભુ ! આ સિદ્ધભગવાન અને તેના જેવા જ નિજ આત્માનું સ્વરૂપ ખ્યાલમાં કેવી રીતે આવે ? કે શુદ્ધ, સહજાનંદમૂર્તિ પૂર્ણ દ્રવ્યસ્વભાવની અંતરદૃષ્ટિ કરે ત્યારે જ સિદ્ધ અને સિદ્ધ સમાન આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવે.
સિદ્ધભગવાન કેવળજ્ઞાન અને કેવળદર્શન પર્યાયમય છે અને શુદ્ધ આત્મા કેવળ માત્ર જ્ઞાન—દર્શનમય છે. ભગવાન પ્રગટ કેવળજ્ઞાન—દર્શનની પર્યાયમય છે અને આત્મા ગુણમયસ્વભાવમય છે. તે સ્વભાવ અસહાય છે તેમ સિદ્ધભગવાનની પ્રગટ પર્યાય પણ અસહાય છે તેને કોઈની સહાય—મદદની જરૂર નથી.
ભગવાન આત્મા નિર્વિકલ્પ શાંતિ સમાધિસ્વરૂપ છે અને સિદ્ધભગવાનને પર્યાયમાં પણ નિર્વિકલ્પ શાંતિ સમાધિ પ્રગટી ગઈ છે. ભગવાન આત્મા અને સિદ્ધભગવાન સર્વ વાતે પરિપૂર્ણ છે.-પોતે ભગવાન આત્મા સુખસ્વરૂપ છે છતાં બહારમાં, રાગમાં સુખ શોધવા જાય તે ક્યાંથી મળે ? ભક્તિમાં—સ્તવનમાં પણ આવે છે કે ‘તું સબ બાતે પૂરા.' તારે કાંઈ બહાર શોધવાની જરૂર નથી.
મુક્તિમાં—સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે અને દેહ દેવાલયમાં આ પરમાત્મા બિરાજમાન છે. આગળની ગાથામાં આવશે કે જેવું સિદ્ધાલય છે તેવું જ દેહાલય—દેહરૂપી મંદિર છે. સિદ્ધાલયમાં અનંતા પ્રગટ સિદ્ધ પરમાત્મા બિરાજે છે તો દેહરૂપી દેવાલયમાં અનંતગુણ સંપન્ન ભગવાન આત્મા બિરાજે છે. તેમાં દૃષ્ટિ કરવાથી આત્મા પર્યાયમાં પ્રગટ થાય છે. સિદ્ધભગવાન ઉપર દૃષ્ટિ કરવાથી આત્મા પ્રગટ થતો નથી.
હરણની ડૂંટીમાં કસ્તૂરી હોય છે છતાં તે બહાર શોધે છે તેમ ભગવાન આત્મા પોતે દેહરૂપી દેવાલયમાં બિરાજમાન હોવા છતાં બહાર શોધે છે તો ક્યાંથી મળે ? અતીન્દ્રિય પરમ આનંદસ્વરૂપ, અનંત ગુણની પૂર્ણ પર્યાયની રચના કરવાવાળું પરમ બેહદ વીર્યસ્વરૂપ એવા અચિંત્ય અનંત ગુણસ્વરૂપ સિદ્ધભગવાન છે એવો જ આ આત્મા છે.
પં. બનારસીદાસજી બંધ અધિકારમાં કહે છે ને, મેરો ધની નહિ દૂર દેશાંતર, મોહિમેં હૈ મોહિ સુજત નીકે.' મારો ધણી શુદ્ધ આત્મા ક્યાંય દૂર દેશાંતર કે પર્વતાદિમાં નથી, મારો આત્મા પુણ્ય પાપના વિકલ્પથી પણ રહિત અંતરમાં બિરાજમાન છે તે મને મારી પર્યાયમાં ભલી રીતે ગ઼ાય છે. શુદ્ધભાવમાં સ્થિર ન રહી શકાય ત્યારે શુભભાવમાં અશુભથી બચવા માટે ભગવાનની ભક્તિ આદિનો ભાવ તેના કાળે આવે છે પણ તેનો અર્થ એવો નથી કે ભગવાન મને મારો શુદ્ધ આત્મા આપે છે કે શુભભાવથી આત્મા પ્રાપ્ત થાય એવો પણ અર્થ નથી.
પહેલી ચોટે જ નક્કી થવું જોઈએ કે મારો દેહાતીત, મનાતીત ભગવાન આત્મા અંતરદૃષ્ટિમાં જ પ્રગટ થાય. આત્મા તો અબંધ મુક્તસ્વરૂપ છે. વસ્તુને વળી બંધ કેવો !