________________
સિદ્ધાલયની જેમ દેહાલયમાં બિરાજતા પરમાત્મા
(સળંગ પ્રવચન નં. ૧૭) केवलदर्शनज्ञानमयः केवलसुखस्वभावः । केवलवीर्यस्तं मन्यस्व य एव परापरो भावः ॥२४॥ एतैर्युक्तो लक्षणैः यः परो निष्कलो देवः । स तत्र निवसति परमपदे यः त्रैलोक्यस्य ध्येयः ॥२५॥ यादृशो निर्मलो ज्ञानमयः सिद्धौ निवसति देवः ।
तादृशो निवसति ब्रह्मा परः देहे मा कुरु भेदम् ॥२६॥ શ્રી પરમાત્મપ્રકાશ ગ્રંથની ૨૩ ગાથા પૂરી થઈ. ૨૪મી ગાથામાં મુનિરાજ કહે છે કે આ આત્મા અનંતગુણ સંપન્ન પદાર્થ છે પણ તે શાસ્ત્રગમ્ય નથી. શાસ્ત્ર છે તે પરદ્રવ્ય છે. તેનાથી જે જ્ઞાન થાય છે તે પણ પરલક્ષી જ્ઞાન છે, તેનાથી આત્માનું જ્ઞાન થતું નથી. માટે આત્મા શાસ્ત્રગમ્ય નથી.
ભગવાન આત્મા ઇન્દ્રિયગમ્ય નથી, શાસ્ત્રગમ્ય નથી. આત્મા પોતાના સ્વભાવની દૃષ્ટિ અને જ્ઞાનમાં ગમ્ય થાય છે. અરાગી દૃષ્ટિ, અરાગી જ્ઞાન અને અરાગી શાંતિમાં આત્મ ગમ્ય થાય તેવો છે. આત્મા રાગમાં કે વિકલ્પમાં ગમ્ય થાય તેવો નથી.
ઉદયભાવથી પરમપરિણામિકભાવ દૃષ્ટિમાં આવી શકતો નથી. નિર્વિકારી ધર્મધ્યાનની પર્યાયમાં જ આત્મા પ્રહણ થાય છે—ગમ્ય થાય છે અનુભવમાં આવે છે. કેવી છે તે પર્યાય ? કે જેણે ભગવાન પૂર્ણાનંદ પ્રભુનું લક્ષ કર્યું છે એવી ધર્મધ્યાનરૂપ પર્યાયમાં આત્મા ગમ્ય થાય છે.
સાક્ષાત્ ભગવાન અહત દેવથી પણ આત્માનું જ્ઞાન થતું નથી, ગુરુથી પણ થતું નથી અને શાસ્ત્રથી પણ આત્માનું જ્ઞાન થતું નથી. વીતરાગ શાંતિનું બિબ ભગવાન આત્મા વીતરાગી શાંતિમાં જ ગમ્ય થાય છે. તે સિવાય આત્મા પ્રાપ્ત કરવાનો બીજો કોઈ ઉપાય નથી. માટે જ તેનું વિશેષ સ્વરૂપ હજુ ૨૪મી ગાથામાં કહે છે.
અહીં સિદ્ધના સ્વરૂપનું વર્ણન કરીને કહે છે કે જેવા સિદ્ધ છે તેવો જ તું છો. દરેક આત્મા સિદ્ધ સમાન છે. આત્મા એક વસ્તુ છે તો તેનો કોઈ ત્રિકાળી સ્વભાવ પણ હોય ને ! સ્વભાવ વગરની વસ્તુ કદી ન હોય. વિદ્યમાન તત્ત્વમાં તેનો ત્રિકાળી સ્વભાવ વિદ્યમાન જ હોય. આ સ્વભાવ પર્યાયમાં પૂર્ણ પ્રગટ થાય તેને સિદ્ધભગવાન કહેવાય. જેવા સિદ્ધ છે તેવા જ દરેક આત્મા છે. સિદ્ધભગવાનમાં અને આત્મામાં કિંચિત્ ફેર નથી.