________________
૩૭૮ : જૂનાગઢ અને ગિરનાર
અટલ અને અચલ ઊભેલા ગિરિવર ગિરનારની ગોદમાં આવેલું આ નગર, ગિરિનગર જીર્ણદુર્ગ, જૂનાગઢ આદિ વિવિધ નામે ઓળખાયું અને ચડતી પડતીના ચમકારા અને સુખ દુઃખના તડકા છાયા જોઈ તે જેમનું તેમ જેવું ને તેવું આજ પણ અડગ, અણનમ અને અચળ રહ્યું છે. સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયા પછી પણ પા સદી વ્યતિત થઈ છતાં તેના સમકક્ષ નગરોએ જે વિકાસ સાધ્યો છે અને જે પ્રગતિ કરી છે તે જુનાગઢ કદાચ કરી શકયું નથી અને યથાનામા તથા ગુણ એ ન્યાયે જૂનું જ રહ્યું છે. પરંતુ કુદરતે પ્રફુલ્લિત થઈ મુદિત મને તેને જે અપાર નૈસર્ગિક સૌંદર્ય પ્રદાન કર્યું છે અને સંતની પદરજે પુનિત થયેલ અને દેવના નિવાસથી પવિત્ર થયેલે ગરવો ગિરનાર તેની સમીપે સદેવ ઊભે છે તેનાથી સકારણ ગર્વ અને ગૌરવ લેતું જૂનાગઢ સાંપ્રતકાળમાં સર્વતોમુખી પરિવર્તનના પ્રબળ ઝંઝાવાતમાં પણ તેની વિશિષ્ટ સંસ્કૃતિ અને અસ્મિતા, યુગ યુગ જાની પ્રણાલિ અને પરંપરા, તેનું સ્થાન અને માન જાળવી રહ્યું છે તે જ તેની મહત્તા અને પ્રભુતા છે.