________________
અનુભવ રસ
56 યશોવિજયજી એમના એક પદમાં કહે છે તેનો સ્વીકાર કરતાં કહે છે, “જસ કહે સોહી, આનંદઘન પાવત
અંતર જ્યોત જગાવે.” આનંદઘનજીનાં મેળાપથી ઉપાધ્યાયજી અધ્યાત્મનાં રંગે રંગાયાને સાધના પંથે વિહરવા લાગ્યા. અધ્યાત્મની ગહનતામાં ઊંડા ઊતરતાં અદ્ભુત આનંદની પ્રતીતિ તેઓ કરવા લાગ્યા. એ ભાવને વ્યક્ત કરતા તેઓ લખે છે કે –
આનંદઘન કે સંગ સુજસ હી મિલે તબ આનંદ સમ ભયો સુજસ પારસ સંગ લોહ જો ફરસત
કંચન હોત કી તાકે કસ આ અંગે શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ પોતાનો મત દર્શાવતાં લખે છે, “શ્રી ઉપાધ્યાયજી મહારાજ જેવાને તેમના તરફ માન હોય અને એવા સમર્થ સંત પ્રત્યે આનંદઘનજી મહારાજની વાત્સલ્યતા હોય એ બંને સંભવિત છે. છતાં ઉપાધ્યાયજી મહારાજની અષ્ટપદી શ્રી આનંદઘનજી મહારાજની સ્તુતિરૂપ હોય એમ હજુ મારું મન કબૂલ કરતું નથી. પરંતુ આત્મારૂપ આનંદઘનનાં જ કોઈ આધ્યાત્મિક સ્વરૂપોનું જ તેમાં મને વર્ણન ભાસે છે પછી શબ્દશ્લેષથી કદાચ આનંદઘનજી મહારાજની સ્તુતિ હોય તો કોણ જાણે? પણ મને હજુ એ ભાસ થતો નથી, છતાં જ્ઞાની પરમાત્મા જાણે.૧
પરંતુ આ પ્રકારની શંકાને કોઈ સ્થાન નથી કારણ કે ઉપા. યશોવિજયજી પોતે જ પોતાના એક પદમાં લખે છે,
કોઉ આનંદઘન છિદ્ર હી પેખત, જસરાય સંગ ચડી આયા આનંદઘન આનંદરસ ઝીલત, દેખત હી જસ ગુણ ગાયા જસ વિજય કહે આનંદઘન, હમ તુમ મિલે, હજૂર
આનંદઘન અને યશોવિજયજી મલ્યા હતા અને એક બીજાને રંગે રંગાયા હતા. આમ અધ્યાત્મયોગીએ કર્મયોગીને અધ્યાત્મમાર્ગ બતાવ્યો હતો.
૧. આનંદઘન ચોવીશી, પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ પૃ૨૪