________________
અનુભવ રસ
31
અલક્ષ્યને લક્ષ્ય કરનારા યોગી આનંદઘન
– પદ્મશ્રી કુમારપાળ દેસાઈ - સ્મરણ કરતા વિસ્મરણનો કેટલો બધો મહિમા છે. પ્રાચિન અને મધ્યકાલીન સાહિત્યમાં સંતો હોય કે સર્જકો પણ પોતાને વિશે બહુ ઓછી માહિતી આપતા હોય છે. તુલસીદાસ હોય કે કાલિદાસ હોય, . પણ એમના જીવન વિશે પ્રમાણભૂત માહિતી ઓછી મળતી હોય છે. મહાયોગી આનંદઘનના જીવનમાં પણ આવું જ નજરે પડે છે.
આધ્યાત્મિક અનુભૂતિના અટલ ઊંડાણને પંથે સંચરનારી વ્યક્તિને પ્રસિદ્ધિ કે નામનાની પરવા ક્યાંથી હોય? અવર્ણનીય આત્માનંદની મસ્તીમાં લીન બનીને જીવનાર યોગીને કિર્તીનું પ્રલોભન કઈ રીતે આકર્ષી શકે? પ્રિયતમ પ્રભુના દુર્લભ દર્શન માટે પળે પળે તડપનાર પોતાની જાતને-ક્યાંથી યાદ રાખી શકે?
નામ, નામના, સ્થળ કે કાળનાં સીમિત બંધનો પાર કરીને જ્યાં ચિત્ત અસીમ ઊંડાણમાં વિહરતુ હોય, ત્યાં નામના કે કીર્તીની લોભામણી ભૌતિક સિમાઓને પાર કરીને જ્યારે વ્યક્તિ અસીમ અને અલક્ષને પામવા પ્રયત્ન કરે, ત્યારે જ એ આનંદઘનને દિવ્ય આનંદને પામી શકે છે.
આધ્યાત્મયોગી આનંદઘનના કવનમાંથી એમના જીવન વિશે કોઈ માહિતી સાંપડતી નથી. સાધનાનો પ્રચંડ દાવાનળમાં સાંસારિક જીવનની ક્ષુદ્ર વિગતો તો ક્યાંય બળી જાય છે. એમના કવનમાંથી એક નિજાનંદી, સંસારથી સદંતર બેપરવા અને પરમાત્માના માર્ગે ઊર્થ પ્રયાણ કરનાર મુમુક્ષુની પ્રતિભા સ્વયમેવ ઉપસી આવે છે. ભૌતિક જગતની કોઈ પળોજણ એમને સ્પર્શી શકતી નથી. સંપ્રદાયના વાડા એમના ચિત્તને કેદ રાખી શકતા નથી.
આત્મિક ઘર્મને નામે ચાલતી અને ફૂલી-ફાલતી વાદવિવાદો અને મતમાતાંતરોના દુનિયા તરફ આનંદઘનને ભારે નફરત હતી. એમના કવનમાંથી જ આત્મસાધનાને માર્ગે પરમાત્માને પામવા માટે પ્રયત્ન કરનાર સાચા સાધકનું વ્યક્તિત્વ જાણવા મળે છે. આત્મા જ્યારે પરમાત્મા બની જાય છે. ત્યારે યોગી આનંદઘનના અંતરમાંથી આપોઆપ આત્મા અને ૫મરાત્માની એકરૂપતાનો અનુભવ શબ્દસ્થ થઈને પ્રગટે છે.