________________
અનુભવ રસ
30 જૈન દર્શનના જ્ઞાતા, આત્મસાધના કરનાર સાધક અધ્યાત્મયોગી આનંદઘનજી રચિત “ચોવીશી' ના દરેકે દરેક સ્તવન તથા પદમાં રહેલી ઊંડી ગહનતે, આધ્યાત્મિકતા તથા આતમજ્ઞાનના રસનું પાન પૂજ્ય જશુબાઈ
સ્વામીએ અગાધ પરિશ્રમ કરીને પાર પાડયું છે. આનંદઘનજી નિર્મળ અને સ્થિરભક્તિમાં આત્મનિમજ્જન કરનાર અવધૂ હતા. ગામો ગામ અને શહેરેશહેરે વિહાર કરતાં કરતાં પીએચ.ડી નું સંશોધન કાર્ય કરવું પોતાની દિનચર્યાની સાથે સાથે સાધર્મિકોને વ્યાખ્યાનો આપવા, બપોરના સમયે સંશોધનના વિષયની ચર્ચા વિચારણા કરવી એ અત્યંત કઠિન કાર્ય છે. પણ અંતરમાં ધગશ હોય તો કઠિન કાર્ય પણ પાર પડે જ છે. એ વાતની પ્રતીતિ પૂજ્ય જશુબાઈસ્વામીએ તૈયાર કરેલ ૧૩૦૦ પાનાના ત્રણ ખંડના મહાનિબંધ દ્વારા થાય છે. પૂજ્ય જશુબાઈ સ્વામીએ સ્વહસ્તે તૈયાર કરેલ આ મહાનિબંધ મુંબઈ યુનિવર્સિટીમાં યાદગાર બની રહે તેવો ગ્રંથ છે.
આ મહાનિબંધ માત્ર મુંબઈ યુનિવર્સિટીની ઉપાધિ મેળવવા માટે જ લખાયેલો મહાનિબંધ નથી. પરંતુ અવધૂ આત્મજ્ઞાની આનંદઘનજીના આત્મતત્ત્વને પામીને, પચાવીને તૈયાર કરેલ મહાનિબંધ છે. તેમાં લખાયેલા અક્ષરે અક્ષરે, શબ્દ શબ્દ પૂજ્ય જશુબાઈ સ્વામીએ પોતે કરેલા ગહન આધ્યાત્મિકતાની પ્રતીતિ કરાવે છે. દરેકે દરેક સ્તવન કે પદનું રહસ્ય પામવા માટે અને પમાડવા માટે આનંદઘનજીના ભાવને સમજવા માટે જરૂર લાગી
ત્યાં આગમો, શાસ્ત્રો તથા અન્ય સંત કવિઓની કવિતાના દષ્ટાંતો દ્વારા પૂજ્ય જશુબાઈ સ્વામીજીએ આ મહાનિબંધને અનોખો ઓપ આપ્યો છે. આ મહાનિબંધની વિશિષ્ટતા એનું ગહન ઊંડાણ અને વિસ્તાર છે.
આનંદઘનની ચોવીશીનાં સ્તવનો અને પદોના વાચન પઠન અને અધ્યયન કરવા કરાવવાનો જે લાભ એક માર્ગદર્શક (ગાઈડ) તરીકે મને મળ્યો તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું. તે ઉપરાંત પૂજ્ય જશુબાઈ સ્વામીની સાથે સાથે અન્ય મહાસતીઓને મળવાનો અને બધાંના સાન્નિધ્યમાં રહેવાનો લાભ પણ મને મળ્યો. આનંદઘનજી વિશેના આ સંશોધન કાર્ય દરમ્યાન મારો નિજનો આધ્યાત્મિક વિકાસ પણ થયો. તે માટે હું પૂજ્ય જશુબાઈ સ્વામીના ચરણોમાં મારા કોટિ કોટિ વંદન પાઠવું છું.
અવધૂ આનંદઘનજીને પામવા માટે સ્વામીજીનો આ ગ્રંથ વાચકોને અત્યંત ઉપયોગી થશે. સર્વને અભિનંદન સાથે વિરમુ.