________________
29
અનુભવ રસ
*******************************
આત્મજ્ઞાની એકલવીર આનંદઘન
–ડૉ. કલા શાહ પૂજ્ય જૈન સાધ્વી મહાસતી જશુબાઈ સ્વામીએ પીએચ.ડીની ડીગ્રી માટે મુંબઈ યુનિવર્સિટીમાં મારા માર્ગદર્શનમાં તૈયાર કરેલ મહાનિબંધ “આનંદઘનજી એક અધ્યયન” નું ગ્રંથરૂપે પ્રકાશન થાય છે એ વાત જૈન સાહિત્ય માટે માત્ર અતિ આનંદની જ નહિ પણ એક ઐતિહાસિક તથા અવિસ્મરણીય બિના બની રહેશે. આ કાર્ય ઉપાડી લેનાર સંઘના ટ્રસ્ટીઓને તથા કાર્યકર્તાઓને મારા હાર્દિક અભિનંદન.
પૂજ્ય મહાસતી જશુબાઈ સ્વામીને પીએચ.ડી માટેનું સંશોધન કાર્ય કરાવવા માટે સ્થા. જૈન સંઘના કેટલાંક ટ્રસ્ટીઓએ મુંબઈ યુનિવર્સિટીમાંથી મારું નામ શોધી મને મળવા આવ્યા તે પ્રસંગનું સ્મરણ તાજું થાય છે. ત્યાર બાદ ઘાટકોપરમાં હીંગવાલા લેનના ઉપાશ્રયમાં પૂજ્ય જશુબાઈ સ્વામીને રૂબરૂ મળવાનું થયું. વિષયની પસંદગી માટે પૂજ્ય ડે. રમણભાઈ શાહે હાજર રહીને વિષય નકકી કરવામાં સહાય કરી. પછીના બધાં જ કાર્યોમાં દરેકે દરેક સંઘના કાર્યકર્તાઓએ જે અગાધ મહેનત કરી હતી તે પ્રશંસાને પાત્ર છે.
મધ્યકાલીન જૈન ગુજરાતી કાવ્યસાહિત્યમાં આનંદઘનજીની રચનાઓ એક મરમી સંતની વેદનાનું અને ભક્તિ તથા અધ્યાત્મનું નજરાણું છે અને એક અણમોલ ખજાનો છે, જેમાં ગહનભૂતિનો સ્પર્શ છે. તેમનાં રચેલા પદો નરસિંહ, મીરાં અને સંત કબીરની હરોળમાં બેસે તેવો છે. તથા તેમણે રચેલા સ્તવનો (ચોવીશી) જૈન પરંપરાનું ગૌરવ છે. આવા કવિ આનંદઘનજીનાં કાવ્યો પર સંશોધન કરવાનું વિચારવામાં આવ્યું.