________________
અનુભવ રસ
28 શોધનિબંધ લખીને તૈયાર કરવો અને ગ્રંથસ્વરૂપે એ પ્રકાશિત કરવો એ બેમાં ફરક કરવો પડે છે. બધા જ શોધનિબંધો એના એ સ્વરૂપે પ્રકાશિત કરવાનું યોગ્ય નથી, કારણકે શોધનિબંધમાં આધાર માટે અવતરણો અને ગ્રંથસંદર્ભો આપવા અનિવાર્ય છે, જેમાંના કેટલાયે અવતરણોની પ્રકાશિત ગ્રંથમાં અનિવાર્યતા હોતી નથી. શોધનિબંધમાં કેટલીક પુનરુક્તિ અનિવાર્ય બને છે. પ્રકાશિત ગ્રંથમાં એવી આવશ્યકતા નથી. શોધનિબંધ સંશોધકો અને વિદ્વાનોને લક્ષમાં રાખીને લખાય છે. પ્રકાશિત ગ્રંથો, તેની સામગ્રી પ્રમાણે, ક્યારેક સામાન્ય વાચકને લક્ષમાં રાખીને પ્રકાશિત થાય છે. એટલે જ પ. પૂ. શ્રી જશુબાઈ મહાસતીજીએ પોતાના શોધનિબંધને થોડો સંક્ષિપ્ત કરીને પ્રકાશિત કર્યો છે, તે યોગ્ય જ થયું છે.
પૂ. શ્રી. આનંદઘનજી મહારાજ અત્યંત લોકપ્રિય કવિ છે. બીજી બાજુ આત્મજ્ઞાનના આરાધકો માટે તેઓ ગહન કવિ છે. એમનાં કેટલાંક પદોસ્તવનોનો વાચ્યાર્થ સરળ છે. પણ ધ્વન્યાર્થ ગૂઢાર્થ પામવાનું દુષ્કર છે. યોગ્ય અધિકાર વિના તે સમજાય નહિ. ૫. પૂ. શ્રી જશુમતીબાઈ મહાસતીજીએ આવા ગૂઢાર્થનાં રહસ્યોદ્ઘાટન આ ગ્રંથમાં કર્યાં છે. એ માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે.
પ. પૂ. શ્રી જશુબાઈ મહાસતીજીનો આ ગ્રંથ અનેક રસજ્ઞ વાચકોને અને આત્માર્થી જીવોને માટે પ્રેરક અને માર્ગદર્શક ભાથું બની રહે એવો છે.
પ. પૂ. શ્રી જશુબાઈ મહાસતીજીને અને એમના સમુદાયનાં સર્વ શ્રમણ-શ્રમણી વૃંદને વંદના કરી વિરમું છું.