________________
૩૦૮
અનુભવ રસ આ દુઃખની ગર્તામાંથી ઉગારીને મારી નાવડી પાર ઊતાર. મારી બાજી તું સંભાળી લે, તો અવળી બાજી સવળી થઈ જશે. હે પ્રભુ! પધારોને બાજી સુધારી!
આનંદઘન પ્રભુ હાથ પકડે એ આ પદનું રહસ્ય છે.
ચેતના જ્યાં સુધી અશુદ્ધદશામાં છે ત્યાં સુધી તેને સુમતિ માટે માન છે. પોતે ગમે તેટલી અશુદ્ધ હોવા છતાં પોતાની વાસ્તવિકદશાને જાણતી હોવાથી આ પદમાં તેણે સુમતિને “માયડી” કહેલ છે. - ચેતનની અશુદ્ધદશા તે ચેતનાની અશુદ્ધિ છે. મૂળ સ્વરૂપે બંને શુદ્ધ
છે. એ દશાને પણ જાણે છે. પણ પર્યાયની અશુદ્ધિને કારણે તે દુઃખી છે. ચેતન તથા ચેતનાના માધ્યમથી કવિએ વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડયો છે. દરેક ધર્મમાં ચાલતી અંધાધૂંધીને તેઓશ્રીએ ખોળી ખોળીને દૃષ્ટિ સમક્ષ રાખી છે. ધર્મ ખોટો નથી, ધર્મ તત્ત્વમાં કોઈ ફરક નથી. ફરક છે માન્યતામાં. - કવિએ આ પદમાં નગ્ન સત્ય કહ્યું છે. મત, દર્શન અને તીર્થોનું રહસ્યોદ્ઘાટન કરી કવિ બતાવવા માંગે છે કે પરમત સહિષ્ણુતા અતિ જરૂરી છે. આવી સુંદર રહસ્યાત્મક વાતો કરી કવિએ ગચ્છપંથમાં સડાનું ઓપરેશન કરી સડો દૂર કરવા પ્રયાસ કર્યો છે.
કવિ આનંદઘનજીએ આમ તો જાણે પોતાના જમાનાનું વાસ્તવિક ચિત્ર વર્ણવ્યું છે પણ વસ્તુતઃ આવી વિષમ, વિચિત્ર સ્થિતિ તો ધર્મ અને ઉપાસનાના ક્ષેત્રે અનાદિકાળથી ચાલી આવે છે.
કવિએ આ વાસ્તવિક ચિત્ર પૂરી તટસ્થતાથી દોર્યું છે. અનુપ્રાસ યુક્ત યથાર્થ ઔચિત્યપૂર્ણ શબ્દોના લય સાથે કવિએ આ પદને એવું અર્થગાંભીર્ય આપ્યું છે કે જો ભાવ શાંત ચિત્તે વિચારવામાં આવે તો અર્થ બરાબર સમજીને એનો આસ્વાદ કરે તો કવિના મર્મને બરાબર પકડ્યા વિના ન રહે.