________________
૨૪૭
અનુભવ રસ ગામોમાં ઢોરને પાણી પાવા માટે હુવાડા બનાવવામાં આવે છે અને તે હવાડામાં પાણી આવવા જવા માટે એક ખાળિયો હોય છે. હવાડામાં કૂવાનું પાણી ભરવામાં આવે છે અને ક્યારેક હવાડામાં પાણી ખૂટી જાય પણ ખાળિયામાં થોડું પાણી રહી જાય છે તેમ મારી બુદ્ધિ પણ ટૂંકી થઈ ગઈ છે. બોકનો એક અર્થ ચામડાની બોખ થાય છે જેના વડે કૂવામાંથી પાણી કાઢવામાં આવે છે.
આત્મસ્વરૂપની જેનાથી પ્રાપ્તિ થાય એવા અનુભવજ્ઞાન વિનાની મતિ તે હવાડાની બોક સમાન જ છે. આત્માનું પ્રત્યક્ષ દર્શન થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. જે જ્ઞાનમાં લોકાલોકનું સ્વરૂપ એક સમય માત્રમાં ભાસે છે. બધાં દ્રવ્યો તથા તેની પર્યાયો એક સમય માત્રમાં કેવળજ્ઞાનમાં પ્રતિભાસે છે. ક્ષાયિકજ્ઞાન તે કેવળજ્ઞાન, બીજા ચાર જ્ઞાન ક્ષયોપશમભાવી છે. જે બુદ્ધિમાં આત્મજ્ઞાન આવ્યું નથી તે બુદ્ધિ હવાડાની બોક જેવી છે. શ્રુતરૂપ બુદ્ધિનો પાર આવતો નથી. શાસ્ત્રમાં જેટલું જ્ઞાન છે તેટલું જ્ઞાન જેને હોય તેને શ્રુતકેવળી કહેવાય છે. કેવળજ્ઞાની જેટલું જ તેનું જ્ઞાન હોય પણ શ્રુતના આધારે છે. ક્ષયોપશમભાવી જ્ઞાન છે. શ્રુતજ્ઞાન સાધન છે તો કેવળજ્ઞાન સાધ્ય છે. આવું શ્રુતજ્ઞાન જ્યારે અનુભવયુક્ત હોય છે ત્યારે અનંતજ્ઞાન સાગર કહેવાય છે. જેમ પાતાળ કૂવાનું પાણી ખૂટતું નથી તેમ આ જ્ઞાનનો પાર આવતો નથી. આ જ્ઞાન દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતું રહે છે. કહ્યું છે,
नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरण गुणा। अगुणिस्स नत्थि मोकखो, नत्थि अमोकखस्स निव्वाणं।।
સમ્યગ્દર્શન વિના નવપૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે. દર્શન વિના જ્ઞાન નહિ અને જ્ઞાન વિના ચારિત્ર ન હોય ને ચારિત્ર વિના મોક્ષ નથી. તેથી સત્યાનુભૂતિરૂપ શ્રદ્ધા પ્રગટ કરવા ચેતના તેની સખીને કહે છે કે મને મારા સ્વામી વિના ક્યાંય ચેન પડતું નથી. મારી મતિ મૂંઝાઈ ગઈ છે. પતિ વિના બધું મને અહિતકર, દુઃખકર તથા ઉપાધિરૂપ લાગે છે, માટે બધાને છોડી એક આત્મામાં રમણ કરવા ઈચ્છા રહે છે. તેમાં જ મારું હિત તેમજ શ્રેય છે. તેમાં જ મારો અનંત સુખ-સાગર લહેરાતો અનુભવાય છે. એટલે એને જ પોકાર કરી-કરીને કહું છું કે હે નાથ! મારા મંદિરે પધારો.